વડોદરાના માનુષે ઘરઆંગણે WTT ફીટર ટાઇટલ જીત્યું

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડાના ઉપક્રમે તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રજૂ કરાયેલી સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી WTT કન્ટેન્ડર વડોદરા 2026 ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના માનુષ શાહે યાદગાર પ્રદર્શન કરીને ઘરઆંગણે યોજાયેલી ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું.
ગુજરાતના માનુષ માટે આ સિદ્ધિ અન્ય રીતે પણ યાદગાર રહેશે કેમ કે તે હવે ગુજરાતનો માત્ર બીજો ખેલાડી બન્યો છે જેણે WTT ફીટર ટાઇટલ જીત્યું હોય અને આમ કરનારો ભારતનો માત્ર ચોથો ખેલાડી બન્યો છે. અગાઇ જી. સાથિયાન, શ્રીજા અકુલા અને હરમિત દેસાઈ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા હતા.
ફાઇનલ મુકાબલામાં માનુષે પાછળ રહ્યા બાદ શાનદાર પુનરાગમન કરીને સાતમા ક્રમના પાયસ જનને હરાવ્યો હતો. પ્રથમ બે ગેમ ગુમાવ્યા બાદ ભારતના મોખરાના ટીટી ખેલાડી માનુષે તેની રમતમાં તીવ્રતાની સાથે સાથે સારો અંકુશ મેળવી લીધો હતો અને અંતે 3-2 (7–11, 10–12, 11–6, 11–6, 11–8) થી મેચ અને ટાઇટલ જીતી લીધું હતું.
ચશ્માધારી અને ડાબોડી ખેલાડી માનુષે ટુર્નામેન્ટનો સફળ પ્રારંભ કરતાં ક્વોલિફાયર જશ મોદી સામે રાઉન્ડ ઓફ 16માં 3-1થી વિજય હાંસલ કર્યો હતો. ત્યાર બાદ કવાર્ટર ફાઇનલમાં 25 વર્ષના માનુષે પ્રિયાનુજ ભટ્ટાચાર્યને આ જ માર્જીનથી હરાવ્યો હતો અને ત્રીજા ક્રમના સ્નેહિત સુર્વાજુલ્લાને સેમિફાઇનલમાં 3–1 (6–11, 11–9, 14–12, 11–5)થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આસફળતા વધુ યાદગાર એટલા માટે રહેશે કેમ કે કારકિર્દીમાં પહેલીવારનું WTT ફીડર ટાઇટલ માનુષે તેની 25મી વર્ષગાંઠના એક દિવસ અગાઉ જીત્યું હતું. અને તે પણ તેણે પોતાના જ શહેરમાં વડોદરામાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
આ સફળતા બાદ દોહા જતાં અગાઉ માનુષે જણાવ્યું હતું કે મારી સફળતામાં મારી મજબૂત તૈયારી કામ લાગી રહી છે. “મેં આ ટુર્નામેન્ટ અગાઉ મારા ચીની કોચ યેન વેઈ સાથે 15 દિવસ આકરી મહેનત કરી હતી. મારા માટે આ ટુર્નામેન્ટ અત્યંત મહત્વની હતી કેમ કે તે મારા શહેરમાં યોજાઈવ હતી અને મેં પહેલી વાર આ ઇવેન્ટ જીતી છે.” તેમ તેણે ઉમેર્યું હતું.
“ઘરે રહેવા અને ઘરનું ભોજન ખાવાના સંદર્ભમાં ઘરેલું ફાયદો ચોક્કસપણે મદદરૂપ થયો હતો પરંતુ તે સિવાય મારી તૈયારીએ આ પરિણામ આપ્યું છે. હું ત્રણેય ફોર્મેટ – સિંગલ્સ, મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ – સક્રિય રીતે રમી રહ્યો હોવાથી, હું મહત્વપૂર્ણ સિંગલ્સ વર્લ્ડ રેન્કિંગ પોઈન્ટ મેળવવા માટે ઉત્સુક હતો. આ ટાઇટલ મને વિશ્વના 75મા ક્રમેથી ટોચના 60માં જમ્પ લગાવવામાં કૂદકો મારવામાં મદદ કરશે. તેમ માનુષે ઉમેર્યું હતું.
માનુષ હવે 2026ની એશિયન ગેમ્સ (જાપાન)માં શાનદાર પ્રદર્શન કરવા પર મજબૂત નજર રાખી રહ્યો છે. જયાં માનવ ઠક્કર સાથે મળીને તેને મેન્સ ડબલ્સમાં મેડલની અપેક્ષા છે આ ઉપરાંત તે મિક્સ ડબલ્સમાં દિયા ચિતાલે સાથે મળીને ભાગ લેનારો છે. “આ બંને ઇવેન્ટ મેડલની દૃષ્ટિએ મારા માટે શ્રેષ્ઠ તક છે. ત્રણેય ફોર્મેટમાં રમવું પડકારજનક છે પરંતુ હું ફિઝીકલી અને માનસિક રીતે સજ્જ રહેવા માટે આકરી મહેનત કરી રહ્યો છું. તેમ માનુષે જણાવ્યું હતું.
મિક્સ ડબલ્સમાં હરમિત સિલ્વરથી સંતુષ્ટઃ ગુજરાતના અન્ય એક સ્ટાર ખેલાડી હરમિત દેસાઈએ આ વખતે યશસ્વિની ઘોરપાડે સાથે મળીને મિક્સ ડબલ્સમાં ભાગ લીધો હતો જ્યાં ફાઇનલમાં પાયસ જૈન અને સિન્ડ્રેલા દાસની જોડી સામે તેમનો 1-3થી પરાજય થયો હતો. આમ હરમિતની જોડી રનર્સ અપ રહી હતી.
હરમિત અને યશસ્વિનીની જોડીએ ફાઇનલ સુધી પહોંચવામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સેમિફાઈનલમાં ભારતની આ જોડીએ ક્વોલિફાયર્સ રેગાન અલ્બુકર્ક અને સુહાની સૈનીની જોડીને 3-0થી હરાવી હતી.
અગાઉ ક્વાર્ટર ફાઇનલમાં હરમિતની જોડીએ વાઇલ્ડ કાર્ડ ધારક રોનિત ભાંજા અને સુતિર્થા મુખરજી સામે મહેનત કરવી પડી હતી પરંતુ અંતે તેમણે 3-2થી વિજય હાંસલ કર્યો હતો.