19 જાન્યુઆરીએ બ્રહ્મ સમાજની 105 દીકરીઓના સમૂહ લગ્ન અને 171 યજ્ઞોપવીત સમારોહનું ભવ્ય આયોજન…

પૂર્વ કચ્છના આદિપુર ખાતે આગામી 19 જાન્યુઆરી 2026ના રોજ પૂર્વ કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા સામાજિક એકતા અને દીકરીઓના સન્માનનું અનોખું ઉદાહરણરૂપ ભવ્ય સમૂહ લગ્ન તથા યજ્ઞોપવીત (જનોઈ) સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં બ્રહ્મ સમાજની 105 દીકરીઓના સમૂહ લગ્ન સાથે સાથે 171 યજ્ઞોપવીત સંસ્કાર યોજાનાર છે. સમગ્ર આયોજન માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર (શ્રીરામ ગ્રુપ, ગાંધીધામ)ના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ સમૂહ લગ્નમાં જોડાનાર દરેક જાનૈયા અને પરિવારજનો માટે રહેવા માટે ઉતારાની સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને બહારગામથી આવનારા મહેમાનોને કોઈ અસુવિધા ન થાય તે માટે કચ્છના પ્રવેશ દ્વાર કટારિયાથી લઈને આદિપુર લીલાશા કુટીયા સુધી રહેવા, જમવા અને આવન-જાવન માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. બહારગામથી આવનારા જાનૈયાઓ જે વાહન દ્વારા આવશે, તેનો સંપૂર્ણ વાહન ખર્ચો પણ દાતા પરિવાર દ્વારા આપવામાં આવશે. સમૂહ લગ્નમાં જોડાનારી દરેક દીકરીને બે લાખ રૂપિયા સુધીનું કરિયાવર આપવામાં આવશે તેમજ બચેલી રકમ દીકરીના નામે બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે, જેથી દીકરીના ભવિષ્યને મજબૂત આધાર મળી રહે. આ ઉપરાંત યજ્ઞોપવીત સંસ્કારમાં જોડાનાર દરેક જનોઈ ધારક બટુકને એકવીસ હજાર રૂપિયા સુધીનું દાન આપવામાં આવશે, જે સમાજમાં સંસ્કાર અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો મહત્વનો પ્રયાસ છે. આ કાર્યક્રમમાં કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાંથી દીકરીઓ જોડાઈ જીવનની નવી શરૂઆત કરશે. સવારના શુભ મુહર્તથી શરૂ થનાર કાર્યક્રમ દીકરીની વિદાય સુધી સતત ચાલશે અને બંને સમય ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સમાજના સભ્યો ઉપરાંત મહેમાનો માટે પણ ભોજન અને સેવાઓની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
આ સમગ્ર આયોજન અંગે માહિતી આપતા દાતા પરિવારના બાબુભાઈ હુંબલે જણાવ્યું કે, દોઢસોથી વધુ સામાજિક સ્વયંસેવકના સાથ સહકારથી સમાજની દીકરીઓને સન્માનજનક રીતે જીવનની નવી શરૂઆત મળે તે હેતુથી આ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી હીરાલાલ મોતાના માર્ગદર્શન હેઠળ સમાજના આગેવાન, જાણીતા કથાકાર તથા વ્યવસાયે એડવોકેટ શ્રી દિનેશભાઈ રાવલ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના દરેક વર્ગને જોડાવા ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આદિપુર સ્થિત લીલાશા કુટીયા ખાતે યોજાનાર આ સમૂહ લગ્ન અને યજ્ઞોપવીત સમારોહ સમાજ માટે ગૌરવનો વિષય બનશે અને માનવસેવા તથા સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. તેમજ આ ભવ્ય સમૂહ લગ્નમાં ખાસ ભાઈશ્રી જીગ્નેશ દાદા તેમજ મચ્છોયા આહિર સમાજના ધર્મગુરુ પૂજ્ય શ્રી ભરતદાદા, તેમજ પૂજ્યશ્રી નવલશંકર શાસ્ત્રી ઉપસ્થિત રહી આશિર્વચન આપશે સાથે સાથે બ્રહ્મ સમાજના શાસ્ત્રીઓના વૈદિક મંત્રીચારથી આ સમગ્ર સમૂહલ લગ્ન અને યગ્નોપવિત સંસ્કાર પૂર્ણ થશે. તેમજ દરેક સમાજના સામાજિક પ્રમુખ આગેવાનો સાથે રાજકીય સમાજ સેવકો ઉપસ્થિત રહેવાના છે તેમજ મંત્રી શ્રી, પદાધિકારીઓ સહિતના આગેવાનાઓ ઉપસ્થિત રહેવાના છે. વધુમાં સમૂહ લગ્ન અને યોગ્નોપવિત બાબતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપી હતી.