પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાનેકચ્છ જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યકક્ષાના મંત્રી તથા પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને આજરોજ કચ્છમાં જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી દ્વારા “No pending” નું સુત્ર આપનાવી ગત વર્ષોના બાકી કામો તથા નવા આયોજનના કામોને ધારાસભ્યશ્રીઓ તથા સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સંકલન સાધીને સમયમર્યાદામાં તેમજ ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી. વધુમાં તેમણે સંકલન તથા સમતોલ વિકાસ કરવા તેમજ છેવાડાના ગામ સુધી સરકારી યોજનાનો લાભ ત્વરિત રીતે પહોંચાડવા સૂચન કર્યું હતું.
આ સાથે પ્રભારીમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કચ્છનો વિકાસ વેગવંતો થયો છે, ત્યારે આવા દરેક વિકાસ કોમની નોંધ છેવાડાના ગામમાં લેવાય તે હેતુથી કચ્છના વિકાસ કામોની બુકલેટ તૈયાર કરવાનો નવતર પ્રયોગ કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
બેઠકમાં રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા “જિલ્લા પંચાયતએ જિલ્લાની સરકાર” છે એવું જણાવીને અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓએ સંકલનમાં રહી કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ કચ્છમાં થયેલા શિક્ષણ, આરોગ્ય, કૃષિ, શૌચાલય, પાકા મકાનો રોડ-રસ્તા સહિતના વિકાસના કામોની નોંધ લઈ મંત્રીશ્રીએ આત્મવિશ્વાસ સાથે સુવ્યવસ્થિત રીતે યોજના બનાવી કામ કરવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ અને પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સમિતિના ચેરમેનશ્રીઓ, તમામ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને અગ્રણી જનપ્રતિનિધિઓએ મંજુર થયેલા કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રજૂઆતો સાથે અન્ય પ્રશ્નો રજૂ કર્યા હતા. આ કામો ઝડપભેર પૂર્ણ કરવા અધ્યક્ષશ્રીએ ખાસ સૂચના આપી હતી.
બેઠકમાં તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા શિક્ષણ શાખા, ઈરીગેશન વિભાગ તથા સંબંધિત વિભાગના મહેકમ સહિતના પ્રશ્નો રજૂ કરતા પ્રભારી મંત્રીશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને તત્કાલ અસરથી તે ઉકેલની દિશામાં કામગીરી કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં પ્રભારીમંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૪-૨૫ સુધીના મંજૂર થયેલા, શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરીને તત્કાલ અસરથી ખૂટતી કડીઓને દુર કરીને કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
બેઠકમાં રજૂ થયેલા કામ અંગેના પ્રશ્નોએ પ્રભારીમંત્રીશ્રી તથા રાજ્યમંત્રીશ્રીએ સંબંધિત અમલીકરણ અધિકારીઓ પાસેથી પડતર તથા પ્રગતિ હેઠળના કામો અંગે વર્તમાન સ્થિતિ જાણી કામો ત્વરીત પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રીમતી મનિષાબેન વેલાણી, ઉપપ્રમુખશ્રી જિલ્લા પંચાયત કચ્છ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યો, આગેવાનશ્રી દેવજીભાઈ વરચંદ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીશ્રીઓ, સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહયા હતાં.