માતાના મઢ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત ભવનનું માન. ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ કરાયું

આજરોજ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ લખપત તાલુકાના યાત્રાધામ માતાના મઢ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ના નવનિર્મિત ભવનનું ગરિમાપૂર્ણ માહોલમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવું બિલ્ડીંગ સ્થાનિકો તેમજ દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરશે.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષશ્રી જનકસિંહ જાડેજા (કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ), ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા વિસ્તાર) વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ અતિથી વિશેષમાં આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહજી જાડેજા જિલ્લા પંચાયત-કચ્છ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીના પ્રતિનિધિ જસુભા જાડેજા, જીલ્લા પંચાયત સદસ્યશ્રી મામદ જુંગ જત. માતાના મઢ ના સરપંચશ્રી કાસમ કુંભાર તેમજ આસપાસના ગામોના સરપંચશ્રીઓ અને આગેવાનોશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં લખપત તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ, મામલતદારશ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો. કે. કે. પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા અને ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના વરદ હસ્તે રીબીન કાપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતાના મઢના નવનિર્મિત ભવનને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મંગલ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પોતાના ઉદબોધનમાં મહાનુભાવોએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી ઉત્તમ આરોગ્ય સેવાઓ પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે અને આ નવું બિલ્ડીંગ તે દિશામાં એક મહત્વનું કદમ છે. તેમણે કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માતાના મઢના સુરૂભા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતમાં માતાના મઢ PHC ના મેડિકલ ઓફિસર દ્વારા ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લખપત તાલુકાના વિવિધ પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ, આરોગ્ય સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.