ભૂકંપ પછી વેકેશનમાં શાળા ચાલુ !
૨૦૦૧ના ગોઝારા ભૂકંપ પછી બાળકો હળવાશ અનુભવે, એમનું માનસિક સ્વાસ્થ્ય જળવાય એ માટે જેમને અનુકૂળ હોય એમને વેકેશનમાં પણ સ્વેચ્છાએ શાળાઓ ચાલુ રાખવાની સુચના હતી. અમારાં ઘરથી શાળા દૂર હોવા છતાં, મેં એકલાએ આખું વેકેશન શાળા ચાલુ રાખી હતી એનો મને પરમ સંતોષ છે. ભયાનક ભૂકંપે મારી શાળા, ઘર અને મારા પરિવારને સલામત રાખતાં શાળા ચાલુ રાખવી એ મારી ફરજ સમજ્યો હતો. આ રીતે એ વેકેશનમાં અન્ય કોઈ શાળા ચાલુ રહી હોય તો એ વિશે જાણવું ગમશે.
ભૂકંપ પછી ભુજનાં ગણેશનગર, મહાવીરનગર, જયનગર સહિત કેટલાક વિસ્તારો સલામત હોઈ, ઘણા સુખી ઘરના પરિવારો આ વિસ્તારમાં હંગામી વસવાટ કરતા હતા. એ વખતે શાળામાં ભણતાં ન હોય એવાં બાળકોને પણ શાળામાં આવવાની છૂટ હતી. તેથી આ વિસ્તારમાં રહેતાં સુખી સંપન્ન ઘરનાં બાળકો – જેઓ મોંઘી અંગ્રેજી શાળામાં ભણતાં- એ પણ અમારી શાળા ખુલી જોઇને આવતાં હતાં. મૂળ કચ્છના ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારી હતા એ લેખક મધુભાઈ ભટ્ટની ભત્રીજી પણ અમારી શાળામાં આવતી. એ સૌ બાળકો માટે મનગમતી પ્રવૃત્તિઓ કરાવવા સાથે અવનવી રમતો રમાડવાનો આનંદ અનેરો હતો પણ વિશેષ આનંદ તો બાળકોના કિલ્લોલ કરતા હસતા ચહેરા, જોઈને થતો. હું એકલો શિક્ષક જ ફરજ પર હતો, હું નિજાનંદ માણતો.
શાળામાં શિક્ષકને સદા સક્રિય રહેવું ગમે એ આળસુ હોઈ જ ન શકે. સાચો શિક્ષક વાસ્તવમાં આજીવન વિદ્યાર્થી જ હોય છે. નિવૃત્તિ પછી આ સ્મૃતિ વાગોળવી ગમે છે.
- જગદીશચંદ્ર છાયા