પુત્રીને વ્હાલ કરે તે પૂર્વે જ પડાણા નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં પિતાનું મોત
copy image

પડાણા નજીક ઊભેલા ટેન્કરમાં બાઈક ભટકાતાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં રમેશભાઈ જેરામભાઈ વાઘેલાનું મોત થયું હતું. ગત તા. 19ના સાંજના અરસામાં પડાણા રામદેવપીર મંદિર નજીક ભચાઉથી ગાંધીધામ તરફ આવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બનેલ આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ હતભાગી એવા રમેશભાઈના પત્ની જશોદાબેનની પ્રસૂતિ હોવાથી આદિપુર રામબાગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેઓ ભચાઉથી આદિપુર આવી રહ્યા હતા, તે સમયે પડાણા નજીક રામદેવપીર મંદિર પાસે કોઈ પણ સિગ્નલ વગર રોડ પર ઊભેલા ટેન્કરમાં ભટકાતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઇજાઓના પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યા હતા. પુત્રીને વહાલ કરે તે પહેલાં જ પિતાનું અવસાન થતાં પરિવારમાં દુખનો પહાડ તૂટી પડ્યો હતો.