કચ્છમાં આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાસન અનેબાળ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત આઈસીડીએસ (ICDS) પોષણ સ્તર
સુધારવા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલા અભિયાનના ભાગરૂપે ‘ત્રીજા
મંગળવાર’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોમાં પોષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન
જે બાળકોએ પ્રથમ ૬ માસ પૂર્ણ કર્યા છે તેવા ભૂલકાઓને આંગણવાડી કાર્યકરો અને મહાનુભાવોના
હસ્તે પ્રથમવાર પૌષ્ટિક ઉપરી આહાર (Semi-solid food) આપી ‘અન્નપ્રાસન’ કરાવવામાં આવ્યું
હતું. જે સાથે માતાઓને સમજાવવામાં આવ્યું હતું કે, ૬ માસ પછી માત્ર માતાનું દૂધ પૂરતું નથી,
તેની સાથે ઘરે બનાવેલો નરમ અને પૌષ્ટિક ખોરાક આપવો બાળકના શારીરિક અને માનસિક
વિકાસ માટે અત્યંત અનિવાર્ય છે.
બાળ દિવસ અને વિવિધ પ્રવૃત્તિ
કચ્છમાં માત્ર પોષણ જ નહીં, પણ બાળકોના મનોરંજન અને શિક્ષણને ધ્યાનમાં રાખીને
‘બાળ દિવસ’ની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આંગણવાડીના બાળકો માટે રમત-ગમત
અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરી તેમને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત માતાઓને બાળકના રસીકરણ, વ્યક્તિગત સ્વચ્છતા અને
પોષણયુક્ત આહાર વિશે તજજ્ઞો દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આંગણવાડી
કાર્યકરો અને સુપરવાઈઝરના સંકલનથી યોજાયેલ આ કાર્યક્રમે ‘સુપોષિત અને સ્વસ્થ બાળપણ’ના
વિઝનને સાર્થક કરવા માટે એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે.