અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર દ્વારા ‘કર્તવ્ય બોધ દિવસ’ અને ‘કર્તવ્ય નિષ્ઠ કર્મચારીઓનું સન્માન કાર્યક્રમ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, અંજાર તાલુકા અને નગર દ્વારા તાજેતરમાં 17 જાન્યુઆરી 2026 ના રોજ ‘કર્તવ્ય બોધ દિવસ’ અને ‘કર્તવ્યનિષ્ઠ કર્મચારી સન્માન’ કાર્યક્રમ મુરલીધર વિદ્યામંદિર (આહિર બોર્ડિંગ) ખાતે ઉત્સાહભેર સંપન્ન થયો. 12 જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી અને 23 જાન્યુઆરી, સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતી નિમિત્તે આ બંને મહાનુભાવોના વિચારો અને કર્તવ્યોને સ્મરીને આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સર્વ પ્રથમ ઉપસ્થિત શ્રી ભાવિક રાવલ, શ્રી મહેશભાઈ ઓઝા, શ્રી ભરતભાઈ ધરજીયા, શ્રી અરજણભાઈ કટુવા, શ્રી જીતેન્દ્રસિંહ પરમાર વગેરે ગણમાન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.

કાર્યક્રમના પ્રારંભમાં જાણીતા ભાગવત કથા અને રામકથાના વક્તા એવા તત્ત્વાચાર્ય શ્રી ભાવિક રાવલે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા પાયાની છે. ત્યારબાદ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ (આર.એસ.એસ.) શ્રી મહેશભાઈ ઓઝાએ કર્તવ્ય ભાવના અને રાષ્ટ્રપ્રેમ વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે શિક્ષક માત્ર વર્ગખંડ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સમાજની સાંસ્કૃતિક ચેતનાનો રક્ષક છે.

ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે અને વહીવટી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર ‘કર્તવ્ય નિષ્ઠ’ કર્મચારીઓને શ્રેષ્ઠ ફરજ માટે પ્રોત્સાહિત કરવા અને અન્ય કર્મચારીઓને પ્રેરણા આપવા સંગઠન દ્વારા પસંદ કરવામાં આવેલ શ્રેષ્ઠ કર્મચારીઓને આમંત્રિત મહેમાનો અને હોદ્દેદારોના હસ્તે સન્માનપત્ર અને ભગવદ્ ગીતા અર્પણ કરીને તેમની કર્તવ્ય નિષ્ઠાને સન્માનિત કરવામાં આવી. સન્માનિત થનાર મહાનુભાવો માં શિક્ષણ અને વહીવટી એમ બંને ક્ષેત્રે શ્રી જીતેન્દ્રસિંહ પરમાર, શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી કાનાભાઈ ગોયલ અને શ્રી ગોવિંદભાઈ સોઢા પરમાર તથા વહીવટી ક્ષેત્રે શ્રી ભરતભાઈ બુધ્ધભટ્ટી, શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ, શ્રી સુનિલભાઈ માલવણીયા, શ્રીમતી જિજ્ઞાબેન સુથાર, શ્રી પ્રિતેશ બલભદ્ર અને શ્રી રફીક ખોજા નું તેમની નિષ્ઠાપૂર્વકની સેવાઓ બદલ સન્માન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં અંજાર નગર શાસનાધિકારી શ્રી અરજણભાઈ કટુઆ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકારી અધ્યક્ષ શ્રી ભરતભાઈ ધરજીયા, બી આર સી કોઓર્ડીનેટર મુકેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સન્માનિત કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ચા અને અલ્પાહાર સાથે પરસ્પર ગોષ્ઠી કરી.