મથલ ગામ નજીકથી પસાર થતી નર્મદા પાણીની લાઇન બિસ્માર હાલતમાં

નખત્રાણા–માતાનામઢ હાઇવે પર આવેલ મથલ ગામ નજીક રોડની બાજુમાંથી પસાર થતી નર્મદા પાણીની લાઇન છેલ્લા કેટલાક દિવસોથી તૂટી ગયેલી હાલતમાં છે. લાઇન તૂટી જવાને કારણે સતત પાણી વહી રહ્યું હોવાથી રોડ પર મોટા ખાડા પડી ગયા છે.
રસ્તા પર બનેલા આ ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે ખાડા દેખાતા ન હોવાથી અકસ્માત થવાની પૂરી શક્યતા છે. રોજબરોજ આ માર્ગ પરથી પસાર થતા ભારે વાહનો, બાઈક ચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓ જોખમમાં મુકાયા છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે સમસ્યા અંગે સંબંધિત વિભાગને વારંવાર જાણ કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જો વહેલી તકે નર્મદા લાઇનની મરામત અને રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.
સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક સ્થળ પર જઈ નર્મદા લાઇન સુધારવા તેમજ રોડના ખાડા પુરવા માંગ કરી છે.
રિપોર્ટ બાય રિયાજ નોતિયાર
મુરૂ નખત્રાણા
Mo -9898209581