પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચા દ્વારા ખેડૂત સંવેદના યાત્રા યોજાઈ છે. 30 જૂનથી લઈને 2 જુલાઈ સુધી ગાંધીધામથી લઈ ગાંધીનગર સુધી આ ટ્રેક્ટર યાત્રા નીકળવાની હતી. જેને પગલે આજે 2 જુલાઈના રોજ સંવેદના યાત્રા ગાંધીનગર પહોંચી હતી. યાત્રા ગાંધીધામથી ગાંધીનગર તરફ આગળ વધી રહી હતી, ત્યારે વિરોચન નગર ખેતીયા આપાના મંદિર પાસે પોલીસે યાત્રાને અટકાવી હતી. ગાંધીનગર પહોંચે તે પહેલા સાણંદ નજીક યાત્રાને અટકાવાઇ હતી. ટ્રેકટર યાત્રા લઈને નીકળેલા 40 કોંગ્રેસી નેતાઓની અટકાયત કરાઈ હતી. અટકાયત મામલે એએસપી પ્રવીણ કુમારે કહ્યું કે, આ યાત્રાની મંજૂરી લીધી નહોતી એટલે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. તેમની સામે કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 24 ટ્રેક્ટર સાથે આ યાત્રા નીકળી હતી. કિસાન કોંગ્રેસ યાત્રા થકી કોંગ્રેસ મગફળી, તુવેર, ખાતર અને બારદાન કાંડના પુરાવા સરકારને સુપરત કરવાની હતી.