અંજારમાં મહાશિવરાત્રી પર્વે જાગેશ્વર મહાદેવ મંદિરે દિવ્ય જ્યોતિર્લિંગ સમાન શણગાર અને ભવ્ય મહાઆરતી

અંજાર શહેરમાં દેવાધિદેવ મહાદેવના પાવન પર્વ મહાશિવરાત્રી નિમિત્તેરામ કૃષ્ણ મહાવીર નગર મધ્યે આવેલ જાગેશ્વર મહાદેવના મંદિરમાં અદભુત ભક્તિમય અને વૈદિક માહોલ સર્જાયો હતો. મંદિરને વિશેષ શણગારથી અલંકૃત કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન મહાદેવનું સ્વરૂપ મંદિરના જ્યોતિર્લિંગ સમાન દિવ્ય તેજસ્વિતાથી ઝળહળી ઉઠ્યું હતું.
દિવસભર વૈદિક મંત્રોચ્ચાર, રુદ્રાભિષેક, સ્તોત્રપાઠ અને ભજન-કીર્તનના પવિત્ર સ્વરો વચ્ચે ભક્તજનો આધ્યાત્મિક આનંદમાં લીન રહ્યા હતા. ભક્તોએ દુધ, બેલપત્ર, ધતૂરા અને પવિત્ર જળ અર્પણ કરી પરમેશ્વર શિવને પ્રાર્થના કરી અને લોકકલ્યાણની કામના વ્યક્ત કરી.
વિશેષ આકર્ષણરૂપે ગુંજતા મહામૃત્યુન્જય મંત્રના જાપે સમગ્ર પરિસરને ઋષિમય બનાવ્યો —
“ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારુકમિવ બંધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ॥”
સાંજે ભવ્ય મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. દીપપ્રકાશ, ધૂપસુગંધ અને ઘંટનાદ સાથે ગુંજતા “ૐ નમઃ શિવાય”ના જાપે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.
મહાઆરતી પૂર્ણ થયા બાદ મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પાવન પ્રસંગે ભક્તિ, સંસ્કૃતિ અને વૈદિક પરંપરાગબનો સુમેળ પ્રગટ થયો હતો અને કાર્યક્રમ સર્વાંગી રીતે આધ્યાત્મિક ઉત્સવરૂપ બન્યો હતો.