મુન્દ્રા પોર્ટમાં બંદર કામગીરી અને આયાત-નિકાસ વ્યવસાય અંગે મુદ્દાઓ ઉઠાવાયા : ગાંધીધામ ચેમ્બર દ્વારા રજૂઆત

મુન્દ્રા પોર્ટમાં બંદર કામગીરી અને આયાત-નિકાસ વ્યવસાય સંબંધિત મુદ્દાઓ ઉઠાવાયા હોવાનું જાણવા મળેલ છે. જેમાં કસ્ટમ નાઈટ ડ્યૂટી, સર્વિસેબલ નિકાસ કન્ટેનર ઉપલબ્ધ કરાવવા વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, મુન્દ્રા પોર્ટ ખાતે બંદર કામગીરી અને આયાત-નિકાસ વ્યવસાયને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ગાંધીધામ ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ દ્વારા કચ્છના મહાબંદર પર થતી કામગીરીને લગતાં અને દેશની આયાત- નિકાસના વ્યવસાયની ગતિને અવરોધતા પરિબળો કે જે દેશની રાષ્ટ્રીય આવક પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર પહોંચાડે છે તેવા મહત્ત્વપૂર્ણ નીતિગત અને કામગીરી સંબંધિત મુદ્દાઓ અંગે સંબંધિત અને સંલગ્ન એસોસિયેશનના પ્રમુખો અને કન્ટેઈનર્સ લાઈન્સને યોગ્ય પગલાં લેવા વિસ્તૃત રજૂઆત કરવામાં આવેલ છે. કચ્છના વિકાસમાં મહાબંદરના પ્રશાસનને સાથે પ્રદર્શન, જરૂરી માળખાગત સુવિધાઓ ઉપરાંતનું પોર્ટ વપરાશકર્તાનું એટલું જ યોગદાન રહેલું છે, જેમાં પોર્ટ ઓપરેશન,માલ પરિવહન, કન્ટેઈ નર્સ હેન્ડલિંગ, સ્પોર્ટ સર્વે, ક્લિયરન્સ પ્રક્રિયા જેવા મહત્વના વિવિધ મુદ્દે વિવિધ પોર્ટ યુઝર્સ એસોસિયેશનોની વ્યાજબી રજૂઆતોને ચેમ્બર પ્રમુખે યોગ્ય કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. માનદ્ મંત્રી મહેશ તીર્થાણી અને ચેમ્બરના શિપિંગ કમિટીના નરેન્દ્ર રામાણીએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, મુન્દ્રા બંદરે કસ્ટમ નાઈટ શિફ્ટ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે, જેમાં મુન્દ્રા પોર્ટ પર રોજ અંદાજે ૨૦૦૦/૨૫૦૦ કન્ટેનર હેન્ડલ થાય છે, છતાં કસ્ટમ ક્લીયર માત્ર એક દિવસની શિફ્ટમાં ચાલે છે. નાઈટ શિફ્ટના અભાવના કારણે ક્લીયરન્સ પ્રક્રિયામાં વિલંબ, ટ્રાફિક ભીડ, ડેમરેજ, ડિટેન્શન અને સ્ટોરેજ ખર્ચમાં વધારો નોંધાય છે. વધતા એક્ઝિમ ટ્રાફિકને અનુસંધાને રાત્રિના ૧૦ થી ૬ સુધી નાઈટ શિફ્ટ શરૂ કરવી જોઈએ. ઉપરાંત શિપિંગ લાઈન દ્વારા સ્વચ્છ અને સર્વિસેબલ નિકાસ કન્ટેનર ઉપલબ્ધ કરાવવા માટે પણ ભાર મુકાયો છે.