મફતનગર પ્રાથમિક શાળા,ગઢશીશાનાં આચાર્યનાં પુત્ર લગ્ન પ્રસંગે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સહયોગ આપી લગ્નપ્રસંગની અનોખી ઉજવણી કરી સમાજને આપી નવી રાહ

મફતનગર પ્રાથમિક શાળા, ગઢશીશા, તા માંડવીમાં ફરજ બજાવતા આચાર્યશ્રી, મણીલાલ અરજણ ધોળુંએ પોતાના
પુત્રના લગ્ન પ્રસંગની ઉજવણીમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સહયોગ આપીને આપણા શુરવીર જવાનો અને તેઓના પરિવાર પ્રત્યે સન્માનની લાગણી પ્રદર્શિત કરી સમાજને પ્રેરણા પુરી પાડી હતી. માતૃભૂમિનાં રક્ષણ માટે સરહદોનું રખોપું કરતા આપણા શુરવીર જવાનોની સેવાનું તો કોઈ મુલ્ય આકી શકાય નહી પરંતુ ફૂલ નહી તો ફૂલ ની પાંખડી સ્વરૂપે સન્માનની લાગણી પ્રદર્શીત કરવાની ભાવનાથી આ પ્રસંગે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં કુલ રૂપિયા ૧૧,૦૦૦ /- (અંકે રૂપિયા અગ્યાર હજાર) નું માતબર દાન આપી સમાજને એક પ્રેરણાત્મક સંદેશ પૂરો પાડ્યો હતો. આ ઉમદા ઉદ્દેશને પાર પાડવા આચાર્યશ્રી મણીલાલ અરજણ ધોળું દ્વારા જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજ નો સંપર્ક કરી તા ૧૧ ફેબ્રુઆરીનાં ૨૦૨૬ રોજ લગ્ન સ્થળે ચેક સ્વીકાર કરવા વિનંતિ કરી હતી. તેઓના આ ઉમદા ઉદ્દેશ્યને સફળ બનાવવા સૈનિક કલ્યાણ કચેરીના અધિકારીશ્રી હિરેન લિંબાચીયાએ લગ્ન સ્થળ ઉપર ચેક સ્વીકારી, કલેકટર અને પ્રમુખશ્રી, જીલ્લા સૈનિક કલ્યાણ સમિતિ, ભુજ, વતી આચાર્યશ્રી મણીલાલ અને ધોળું પરિવારનો આભાર વ્યકત કર્યો હતો અને સૈનિકો પ્રત્યેની તેઓની આ ઉમદા ભાવનાને બિરદાવી હતી તથા વધુમાં અધિકારીશ્રી હિરેન લિંબાચીયાએ સ્થળ ઉપર હાજર આમંત્રીત મહેમાનોને સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળનો વપરાશ સૈનિકો અને તેઓના પરિવારનાં કલ્યાણ માટે કેવી રીતે થાય છે તેની વિસ્તુત માહિતી આપી હતી અને આ માહિતીનાં પ્રતિસાદ સ્વરૂપે સ્થળ ઉપર હાજર આમંત્રિત મહેમાનો દ્વારા ઉમદા પ્રતિભાવ મળેલ હતો. ભારત દેશની ભવિષ્યની પેઢીને સેનાની વિરતા અને બહાદુરીનું જ્ઞાન આપતા આચાર્યશ્રીએ આ રીતે લગ્ન પ્રસંગની ઉજવણી કરી સમાજને નવી રાહ ચીંધવાનું અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. તેઓ દ્વારા હાજર મહેમાનોને આ પ્રસંગે બોધ લઈ ભારતીય સેના અને જવાનો માટે જાગૃતિ આવે અને સન્માનની લાગણી ઉદભવે તે માટે કૌટુબિક પ્રસંગોમાં આવા આયોજનો કરવા અનુરોધ કર્યો હતો અને ઈચ્છુક લોકોને આ ફાળો જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રૂમ નં. ૧૧૪, બહુમાળી ભવન, ભુજ, (ફોન ૦૨૮૩૨-૨૨૧૦૮૫) ખાતે રૂબરૂમાં રોકડ,ચેક, ડીમાન્ડ ડ્રાફ્ટ, થી ”કલેકટર અને પ્રમુખશ્રી, આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ, ભુજ” સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા મારફતે પણ જમા કરાવી શકો છો તેવી જાણકારી પણ આપેલ હતી.