નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ લેવલ મોનિટરીંગ કમિટી તેમજ પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઈ

     ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી શરૂ થયેલા પ્રાકૃતિક કૃષિના અભિયાનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો જોડાઈ તે માટે ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત પ્રયત્નશીલ છે. કચ્છ સહિત સમગ્ર રાજ્યના ખેડૂતોને વિવિધ યોજનાઓ અંતર્ગત આવરી લઈને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરણા આપવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જિલ્લાકક્ષાની બેઠક નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

        નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણે પ્રાકૃતિક કૃષિને વર્તમાન સમયની જરૂરિયાત અને ભવિષ્યની માંગ જણાવીને ખેડૂતોને તમામ યોજનાકીય લાભો આપવા માર્ગદર્શન આપ્યું હતું. કચ્છમાં આવેલા પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લઈને અન્ય ખેડૂતો પણ ઝેરમુક્ત પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે તાલીમ સહિત યોજનાકીય અમલીકરણ બાબતોની નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સમીક્ષા કરી હતી.

        આ બેઠકમાં આત્માના પ્રોજેક્ટ ડીરેક્ટરશ્રી પી.કે.તલાટી દ્વારા જાન્યુઆરી માસની નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગની કામગીરી, ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ, વીલીંગનેશ ફાર્મર રજિસ્ટ્રેશન, કૃષિ સખી અને કમ્યુનિટી રિસોર્સ પર્સન દ્વારા તાલીમ, નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે જિલ્લાકક્ષા બાદ હવે તાલુકાકક્ષાએ કમિટીની રચના, પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રો તેમજ ખેતીવાડી, બાગાયત, પશુપાલન અને સહકાર વિભાગની યોજનાઓમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રાથમિકતા વગેરે બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી.

        નિવાસી અધિક કલેક્ટરશ્રીએ વિવિધ યોજનાકીય લક્ષ્યાંકો અને સિદ્ધિઓની સમીક્ષા કરીને કચ્છ જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે તે માટે આયોજનબદ્ધ રીતે સંકલનથી કામગીરી કરવા જણાવ્યું હતું.  

        આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર સુશ્રી મેઘા અગરવાલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા, નાયબ ખેતી નિયામક વિસ્તરણશ્રી પી.કે.પટેલ, નાયબ બાગાયત નિયામકશ્રી મનિષ પરસાણિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, આત્માના ડેપ્યૂટી પ્રોજેક્ટ ડીરેક્ટરશ્રી કલ્પેશ મહેશ્વરી સહિત બીજ નિગમ, શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ, એપીએમસીના પ્રતિનિધિશ્રીઓ અને શીર્ષ અધિકારીશ્રીઓ, જિલ્લા સંયોજક અને જિલ્લાના સહ સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.