મીરજાપર કુમાર શાળા ફરી વિવાદમાં

ભુજના મીરજાપર કુમાર શાળા અગાઉ વિવાદમાં રહેલી છે અને શાળાના બાંધકામ મામલે અનેક સવાલો ઉભા થયા હતા ઉપરાંત શાળાના આચાર્ય અને કચ્છ ડીડીઓ વચ્ચે પણ આ મામલે બબાલ ટોક ઓફ ટાઉન બની ચૂકી છે ત્યારે ફરી આજ શાળાનું ઉદઘાટન કરી દેવાતા બાધકામ મામલે વાલીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
આજે ભુજ તાલુકાના મીરજાપર કુમાર શાળાની નબળી ગુણવતાની ફરીયાદ વચ્ચે લોકાર્પણ કરવામાં આવતા ભારોભાર નારાજગી સાથે રોષ પ્રગટયો છે. વાલીઓને જાણ કર્યા વિના મીરજાપર કુમાર શાળામાં આજે કુમારો વિના જ લોકાર્પણ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
મીરજાપરની શાળાને નેતાઓના હઠાગ્રહ સામે શિક્ષણતંત્ર નબળું પડ્યું હોય તેમ કુમાર શાળાના લોકાર્પણમાં કુમારિકાઓ હાજર રાખી સંખ્યા દર્શાવવામાં આવતા નેતાઓ સામે વાલીઓએ સવાલો ખડા કર્યા છે.
વાલીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકોની ગેરહાજરી અને થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કર્યા વગર જ શાળાનું ઉદઘાટન કરી દેવામાં આવ્યું છે. ભાજપના કેટલાક નેતાઓ યશ ખાટવા માટે આ શાળાનું લોકાર્પણ કર્યું હોવાનું સ્થાનિકોએ આક્ષેપ સાથે કુમાર શાળાના લોકાર્પણના કાર્યક્રમ સામે વિરોધ દર્શાવ્યો હતો.