કલેક્ટરશ્રી આંનદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તથા ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક મળી

કચ્છ જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓને વધુ સુદ્ઢ બનાવવા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તથા ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક મળી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ બાળ અને માતા મરણનાં કારણો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પ્રસૂતિની સંખ્યા તથા રસીકરણ કાર્યક્રમ, સંચારી રોગો અને બિન સંચારી રોગો (NCD), વેકટર બોન ડિસીઝ મેલેરીયા અને ડેન્ગ્યુ અટકાયતી પગલા, સબસેન્ટર, પી.એચ.સી.,સી.એચ.સી.,એસ.ડી.એચ.માં નિયમિત સાફ સફાઈની કામગીરી, નેશનલ બ્લાઇન્ડ કંટ્રોલ પ્રોગામ, એચપીવી રસીકરણ, નમોશ્રી યોજના, કુંટુંબ નિયોજન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, ટીબી મુક્ત ભારત અભિયાન, એચઆઇવી, પીએમજેએવાય, બ્લડ સ્ટોરેજ અને તેની ઉપલબ્ધતા વગેરે કામગીરીની સમીક્ષા કરી હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ જિલ્લાનાં બાળકોનાં સ્વાસ્થ્યની પ્રાથમિક આરોગ્ય તપાસણીથી લઈને સઘન સારવાર સુધીની કામગીરીની સમીક્ષા કરીને ખાસ કરીને ચશ્માની જરૂરિયાતવાળા બાળકોની સમયસર તપાસ થાય અને ચશ્મા મળે તેવું આયોજન કરવા સૂચના આપી હતી. ઉપરાંત રસીકરણને લગતી કામગીરી ઘનિષ્ઠ કરવા, જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને આરોગ્યલક્ષી કામગીરીની સંકલન સમિતિ અન્વયે યોજાયેલ બેઠકમાં પણ વિવિધ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પીવાના પાણીના ક્લોરિનેશન સહિતની કામગીરી વધુ અસરકારક રીતે થાય તે માટે આગોતરું આયોજન હાથ ધરીને કામગીરી ઝડપથી કરવા તથા મચ્છર ઉપદ્રવ નિયંત્રણ માટે ફોગીંગ કામગીરી અને અન્ય પગલાઓ લેવા સૂચના આપવામાં આવી હતી.

જિલ્લા કક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠકમાં “જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ” તથા “શૈક્ષણિક સંસ્થાઓના આસપાસના ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ” અન્વયે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ટોબેકો કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત સરકારી કચેરીઓની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમાકુ અને ગુટકાનું વેચાણ કરતાં દુકાનદારો તેમજ જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી. ગાઈડલાઈન મુજબ દરેક સરકારી શાળાઓમાં અમલીકરણ થાય તે અન્વયે કાર્યવાહી કરવા જવાબદાર વિભાગોને જણાવાયું હતું. તમાકુ નિયંત્રણ અધિનિયમ- ૨૦૦૩ અન્વયે થયેલા દંડની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મિતેષ ભંડેરી, ગાંધીધામ, નખત્રાણા, માંડવી, અંજાર, રાપરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિકારીઓશ્રી, સામૂહિક આરોગ્ય કેન્દ્રોના અધિક્ષકશ્રી, વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ-કર્મયોગીશ્રીઓ અને સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.