કેડીસીસી બેન્કમાંથી ડુમરા સહકારી મંડળીના 621 સભાસદોના નામે 5 કરોડ 61 લાખ રૂપિયાની લોન મેળવી નાણાં ચાઉ કરી જવાના 29 મે 2019નાં રોજ નોંધાયેલા ગુના અંગે cid ક્રાઈમે કેસના મુખ્ય આરોપી જેન્તી જેઠાલાલ ઠક્કરની ધરપકડ કરી છે. ડુમરા સેવા સહકારી મંડળીના પ્રમુખ જેન્તી ઠક્કર, મંત્રી કનુભા મમુભા જાડેજા (રહે. નારણપર), કમિટિ સભ્ય કરમશી દેસર, છગનલાલ મેઘજી શાહ (રહે. ડુમરા), કોઠારા બ્રાન્ચના તત્કાલિન મેનેજર સંજય ત્રિપાઠી (રહે. નલિયા) અને તેમના મળતીયાઓ સામે FIR નોંધાયેલી.બનાવના સમયગાળા દરમિયાન જેન્તી ઠક્કર કેડીસીસી બેન્કના ડાયરેક્ટર અને ડુમરા સહકારી મંડળીના પ્રમુખ હતા. જેન્તી ઠક્કરની ટ્રાન્સફર વૉરન્ટના આધારે આ કેસમાં વિધિવત્ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ જેન્તી ઠક્કર વિરુધ્ધ વિંઝાણ ગામની મૃત મહિલા સહિતના લોકોના નામે બોગસ આધાર પુરાવા પર લોન મેળવવાની અને પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલીની હત્યા-ષડયંત્ર ત્યારબાદ ભચાઉ સબજેલમાં દારૂ પીવાની, મોબાઈલ ફોન વાપરવાની અને ગેરકાયદે રીતે કસ્ટડીમાં નોકર ઘુસાડવાની એમ અલગ અલગ ચાર ફરિયાદો નોંધાઈ ચૂકેલી છે કેડીસીસી બેન્કે આઈપીસી કલમ 409, 406, 465, 467, 468, 471 મુજબ ફરિયાદ નોંધાવેલી. સીઆઈડી ક્રાઈમે આપેલી સત્તાવાર પ્રેસને માહિતી મુજબ આરોપીઓએ ડુમરા સહકારી મંડળીના કુલ 621 સભાસદોના નામે 2002થી આજ દિવસ સુધી કરોડો રૂપિયાની લોન મેળવી લઈ કુલ 5.61.12.601 રૂપિયા ભર્યાં નથી. આરોપીઓએ સભાસદોના નામે ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરી હતી. જેમાંથી કેટલાંક સભાસદો લોન લેતાં અગાઉ અવસાન પામ્યાં હતા અને ઘણા સભાસદો લોન નહીં લીધેલાનું જણાવે છે.