અબડાસાના નલિયા ખાતે અબડાસા તાલુકા યુથ કોંગ્રેસની કારોબારી મીટિંગનું આયોજન કરાયું

અબડાસા તાલુકાના નલિયા ખાતે અબડાસા તાલુકા યુથ કોંગ્રેસની કારોબારી મીટિંગનું આયોજન ઉત્સાહપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું. મીટિંગમાં તાલુકાના વિવિધ ગામો અને વિસ્તારોમાંથી યુથ કોંગ્રેસના હોદેદારો, કાર્યકરો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મીટિંગ દરમિયાન અબડાસા તાલુકામાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, ગામ સ્તરે યુવાનોને સક્રિય રીતે જોડવા અને પ્રજાના પ્રશ્નોને તાત્કાલિક અસરથી ઉઠાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પાણી, રસ્તા, વીજળી, શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવા મૂળભૂત પ્રશ્નોને પ્રાથમિકતા આપવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
અબડાસા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી વસીમ જે. રાયમાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે યુથ કોંગ્રેસના દરેક હોદેદારે પોતાના વિસ્તારમાં સક્રિય બનીને પ્રજાના પ્રશ્નો અંગે સતત રજૂઆતો કરવી જોઈએ. જરૂરી હોય તો દરેક હોદેદાર પોતાના લેટરહેડ પર સત્તાવાર રજૂઆત કરી શકે છે અને સંગઠન તેની સાથે મજબૂત રીતે ઉભું રહેશે.
પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ શ્રી રાજદીપ દેવધરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે યુથ કોંગ્રેસના યુવાનો પાર્ટીની રીડ છે અને સંગઠનને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે યુવાનોને વધુ સક્રિય બની પ્રજાના પ્રશ્નો માટે મેદાનમાં ઉતરવાની અપીલ કરી હતી અને કોંગ્રેસ પક્ષની વિચારધારાને ઘેરા સ્તરે પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અબડાસા તાલુકા યુથ કોંગ્રેસની ટીમ આગામી સમયમાં પ્રજાના હકો માટે સક્રિય અને સંગઠિત લડત આપશે તથા દરેક કાર્યકર સાથે સંગઠન મજબૂત રીતે ઉભું રહેશે.અને આવનાર સમય માં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં યુવા શિક્ષિત ઉમેદવારો ને ઉતારવામાં આવશે, અબડાસા તાલુકો હર હંમેશ કોંગ્રેસ નો ગઢ રહો છે,ફરી થી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં તાલુકા મથકે કોંગ્રેસ નો ઝંડો લહેરાશે એવી ખાત્રી આપી છે,
મીટિંગમાં આવનારા સમયમાં તાલુકા સ્તરે સંગઠનને વધુ સક્રિય બનાવવા માટે વિવિધ કાર્યક્રમો, જનઆંદોલન અને અભિયાનો હાથ ધરવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા. યુવાનોને રાજકારણમાં વધુ ભાગીદાર બનાવવા માટે વિશેષ અભિયાન શરૂ કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.
આજના કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ રાજદીપ દેવધર, ઉપપ્રમુખ મીત જોષી, ફારુક લંગાય, કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અભુભાઈ હિંગોરા, અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અનવરભાઈ મંધરા, માજી ધારાસભ્ય ઈબ્રાહીમભાઈ મંધરા, કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન યોગેશ પોકાર, અરવિંદભાઈ ગઢવી, સમય શાહ, નખત્રાણા તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ રવિરાજસિંહ સોઢા, અબ્દુલ્લા શા પીરજાદા, અયુબભાઈ સુમરા, દાદાભાઈ મોકરશી, ઉમર ગજણ, રમજાન નોડે, પ્રવીણભાઈ રબારી,ઈશાભાઈ કેર, સેવાદળના ફકીરમામદ નોતિયાર, ઓસમાણ નોતિયાર, રવિરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, રાજગોર શંભુમહારાજ તથા પપ્પુભાઈ ખલીફા હાજર રહ્યા હતા.
અબડાસા તાલુકા યુથ કોંગ્રેસની ટીમમાંથી પ્રમુખ વસીમ રાયમા, ઉપપ્રમુખ સૈયદ અસલમશા અને મહેન્દ્ર બળિયા, મહામંત્રી મંધરા હમીદ અને હસણ નોડે, પ્રવક્તા જત અબુબકર તેમજ મંત્રી સોઢા ભરતસિંહ અને મંધરા ઇકબાલ ઇલિયાસે કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત ઉઠાવી હતી.
મીટિંગના અંતે તમામ હોદેદારોને સંગઠન પ્રત્યે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો અને કોંગ્રેસ પક્ષની વિચારધારાને ગામડાં સુધી પહોંચાડવા માટે સંયુક્ત પ્રયાસ કરવાની અપીલ કરવામાં આવી હતી.