પ્રાકૃતિક ખેતી અને તેના ઉત્પાદનો દ્વારા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ તરફનો માર્ગ
ગુજરાતમાં વધતી મેદસ્વિતા (Obesity) આજે જાહેર આરોગ્ય માટે ચિંતાજનક મુદ્દો બની રહ્યો છે. જીવનશૈલીમાં પરિવર્તન, જંક ફૂડનો વધતો ઉપયોગ અને રસાયણયુક્ત ખોરાકના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધી રહ્યું છે. આવા સમયમાં પ્રાકૃતિક ખેતી અને તેના ઉત્પાદનો સ્વસ્થ સમાજ નિર્માણ માટે મહત્વપૂર્ણ સાધન બની શકે છે પ્રાકૃતિક ખેતીએ એવી પદ્ધતિ છે જેમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. દેશી ગાય આધારિત જીવામૃત, બીજામૃત અને કુદરતી પોષણ પદ્ધતિઓથી ઉગાડવામાં આવેલા અનાજ, શાકભાજી અને ફળો શરીર માટે વધુ પૌષ્ટિક અને સુરક્ષિત હોય છે. આવા ખોરાકમાં રહેલા ફાઈબર, વિટામિન અને ખનિજ તત્વો શરીરના મેટાબોલિઝમને સુધારે છે અને વજન નિયંત્રણમાં મદદરૂપ બને છે.
મેદસ્વિતા ઘટાડવામાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનો ઉપયોગ કેવી રીતે કરવો?
દૈનિક આહારમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનો સમાવેશ કરવાથી સ્વસ્થ જીવન તરફ સરળતાથી આગળ વધી શકાય છે:
· સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે લીંબુ અથવા તુલસીનો ઉપયોગ શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ બને છે.
· નાસ્તામાં પ્રાકૃતિક રીતે ઉગાડેલા જવાર, બાજરી, નાચણી જેવા મિલેટ્સનો સમાવેશ કરવો
· બપોર અને રાત્રિના ભોજનમાં લીલા શાકભાજી, દાળ અને સલાડનો વધુ ઉપયોગ કરવો
· તળેલા અને પ્રોસેસ્ડ ખોરાકથી દૂર રહીને ઘરેલું અને સાત્વિક ભોજન લેવુ
· પ્રાકૃતિક ફળોનો ઉપયોગ મીઠાઈ અને નાસ્તા તરીકે કરવો
આ ઉપરાંત, નિયમિત વ્યાયામ, યોગ અને પૂરતી ઊંઘ પણ મેદસ્વિતા ઘટાડવા માટે આવશ્યક છે. પ્રાકૃતિક ખેતીના ખોરાક સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી લાંબા ગાળે સકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે.
કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ વિભાગ દ્વારા વિવિધ તાલીમ કાર્યક્રમો અને જાગૃતિ અભિયાનો યોજવામાં આવે છે. સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પ્રાકૃતિક ઉત્પાદનોનો ઉપયોગ કરીને નાગરિકો પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે છે અને ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનને સફળ બનાવી શકે છે.
અંતમાં, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ એ સ્વસ્થ જીવન જીવવાનો માર્ગ છે. જો દરેક નાગરિક પોતાના આહારમાં સ્વચ્છ અને કુદરતી ખોરાકનો સમાવેશ કરે, તો ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’નું સ્વપ્ન સાકાર થઈ શકે છે.