કચ્છમાં કેરા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પર હુમલા સાથે લૂંટના પ્રયાસની ઘટનાથી ચકચાર

કચ્છ જિલ્લામાં કેરા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ગોવિંદ બરાડીયા પર અજાણ્યા શખ્સોએ હુમલા સાથે લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. નંબર પ્લેટ વગરની અલ્ટો કારમાં સવાર થઈ આવેલા હુમલાખોરોએ ઉમેદવારને નિશાન બનાવી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ ગઈકાલે રાત્રે અંદાજે 9:30 વાગ્યે બન્યો હતો જ્યારે ઉમેદવાર ભુજથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વરલી નજીક અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ વાહન રોકાવી ધમકી આપી અને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો બનાવ સમયે સામેથી અન્ય ગાડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા. હાલ ઉમેદવાર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ બનાવને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. હાજાપર અને થરાવડા ગામના સીસીટીવી કેમેરામાં હુમલાખોરની કાર કેદ થઇ છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.