*કચ્છ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે ભાજપના તમામ ઉમેદવારોએ કાર્યકરો સાથે ઉત્સાહપૂર્વક રંગેચંગે નામાંકન પત્રો ભર્યા.*

*ભ્રામક વાતો અને જુઠ્ઠાણાઓ ફેલાવનારી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આજરોજ નામાંકન પત્ર દર્જ કરાવવાના અંતિમ સમય સુધી કચ્છમાં પૂરતા ઉમેદવારો પણ ગોત્યા નથી જડ્યા – દેવજીભાઈ વરચંદ*

ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે ઉમેદવારોની યાદી બહાર પાડતાની સાથે જ સમગ્ર જીલ્લા ભાજપ સંગઠન કામે લાગી ગયું હતું જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાનીમાં જિલ્લા ભાજપના હોદેદારો, તમામ મંડળના આગેવાનો તેમજ ભાજપ લીગલ ટીમ સહિત કાર્યકરોએ જબ્બરદસ્ત સંગઠન શક્તિ દર્શાવીને તમામ ઉમેદવારોના ફોર્મ ભરવાથી માંડીને મેન્ડેટ પહોંચાડવા સુધીની વ્યવસ્થા અને તૈયારીઓ મોડી રાત સુધીમાં સુપેરે પાર પડે તે રીતનું જડબેસલાક આયોજન કરી લેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આજરોજ ફોર્મ ભરવાના દિવસે દરેક મંડળોમાં જિલ્લા આગેવાનો, પ્રભારીઓ જે તે મંડલોમાં જઈને ઉમેદવારોના ફોર્મ રજૂ કરતી વખતે સાથે રહ્યા હતા અને પ્રોત્સાહિત કરી ઉત્સાહ વધાર્યો હતો. ફોર્મ ભરતી વખતે દરેક જગ્યાએ જાણે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.

સાથે સાથે સોનામાં સુગંધ ભળે તેમ વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં આજે ભાજપના ઘણા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા જેથી આગેવાનો અને કાર્યકરો સહિત કચ્છ જીલ્લો ભાજપ પરિવારનો ઉત્સાહ બુલંદીએ દેખાયો હતો.

આજ રોજ માંડવી તાલુકા પંચાયતમાં એક બેઠક, ભુજ નગરપાલિકામાં પાંચ બેઠક, અંજાર નગરપાલિકામાં બે બેઠક, નખત્રાણા નગરપાલિકામાં બે બેઠક અત્યાર સુધી બિનહરીફ થઈ ચુકી હોવાથી વિરોધી છાવણીમાં ચૂનાવી જંગ પહેલાં જ સોંપો પડી ગયો છે અને તેઓ તદ્દન હતપ્રભ અવસ્થામાં દેખાઈ રહ્યા છે.

જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા જણાવ્યુ હતું કે યાદી બહાર પડ્યા બાદ ગણતરીના કલાકોમાં તમામ આગેવાનો કાર્યકરોએ સાથે મળીને સંગઠન શક્તિની તાકત દર્શાવીને જરૂરી તમામ પ્રક્રિયાઓ સુપેરે પાર પાડી છે જે બદલ સમગ્ર ટીમ અભિનંદનને હક્કદાર છે. આગામી દિવસોમાં આ જ સંગઠન શક્તિના ભરોસે જ જિલ્લા પંચાયત તેમજ તમામ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય ઐતિહાસિક વિજય થશે એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હજુ પણ આગામી એક બે દિવસમાં વધુ બેઠકો બિનહરીફ થઈ શકશે એવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઇ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઇ જોધાણી સહિત જિલ્લા ભાજપ હોદ્દેદારો અને સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ ટીમ એક અભૂતપૂર્વ વિજય માટે તત્પર હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.