ભારતનું બીજું LPG ટેન્કર ‘જગ વિક્રમ’ સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. આ સાથે જ શનિવારે એક જ દિવસમાં કુલ 16 જહાજોએ આ માર્ગ પાર કર્યા
copy image

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત માટે ઉર્જા સુરક્ષાના મોરચે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસંધાને હોર્મુઝ સ્ટ્રેટ, જે વિશ્વનો સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ગણાય છે, ત્યાંથી ભારતનું બીજું LPG ટેન્કર ‘જગ વિક્રમ’ સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. આ સાથે જ શનિવારે એક જ દિવસમાં કુલ 16 જહાજોએ આ માર્ગ પાર કર્યો છે, જે વૈશ્વિક બજાર માટે હકારાત્મક સંકેત છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ મહત્વપૂર્ણ સિદ્ધિની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ‘ભારતીય ધ્વજ ધરાવતું જહાજ ‘જગ વિક્રમ’, જેમાં 24 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર છે, તે 11મી એપ્રિલના રોજ પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું છે.’ આ જહાજ શુક્રવાર રાત અને શનિવાર સવારની વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને હવે ઓમાનના અખાતમાં પહોંચી ગયું છે.‘જગ વિક્રમ’ એક મધ્યમ કદનું ગેસ કેરિયર છે જે આશરે 20,000 ટન LPG (રાંધણ ગેસ) વહન કરી રહ્યું છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતમાં LPG પુરવઠા અંગે જે ચિંતા હતી તે આ સફળતાથી થોડી હળવી થશે.