અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં યોજાયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ થઈ ગઈ

copy image

copy image

ઈસ્લામાબાદ સમગ્ર દુનિયાની નજર જેનાં ઉપર મંડાયેલી હતી એવી અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં યોજાયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ થઈ ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસંધાને સ્થાયી યુદ્ધવિરામ અને શાંતિ માટે આશરે 21 કલાક જેટલી લાંબી ચાલેલી આ ઘનિષ્ઠ ચર્ચામાં અનેક મુદ્દે બન્ને પક્ષ સહમત થઈ ગયા હતાં પણ બેથી ત્રણ જેટલા મુખ્ય મુદ્દાઓ ઉપર મડાગાંઠ ન ઉકેલાતા ફરી એકવાર ઘમસાણ યુદ્ધ અને વિશ્વમાં ઊર્જા સંકટનાં વાદળો ઘેરાઈ ગયા છે. પાકિસ્તાનની મધ્યસ્થતામાં ઈસ્લામાબાદમાં યોજાયેલી આ વાટાઘાટ બાદ અમેરિકા પરત રવાના થતાં પહેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જણાવ્યું હતું કે, અમેરિકા તરફથી શ્રેષ્ઠ અને અંતિમ ઓફર અપાઈ હતી પરંતુ ઈરાને આ શરતો માનવાનું પસંદ કર્યું નથી .વેન્સે આગળ કહ્યું હતું કે, આ બેઠકમાં સમજૂતી ન થવી એ અમેરિકા માટે સારા સમાચાર નથી પણ ઈરાન માટે તો ખૂબ  ખરાબ સમાચાર છે. બીજીબાજુ ઈરાનનાં વિદેશ મંત્રાલયે આ વાટાઘાટને ઘનિષ્ઠ ગણાવતાં વોશિંગ્ટનની માગણીઓને આત્યંતિક ગણાવી હતી. ઈરાન પોતાનાં પરમાણુ કાર્યક્રમ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મુદ્દે ઝૂકવા તૈયાર નથી.  કોઈપણ પ્રકારનાં અમેરિકી દબાણને તાબે નહીં થવાનો સંકેત પણ ઈરાને અપાયો હતો. જો કે, ઈરાને એમ પણ જણાવ્યું હતું કે વાતચીતના દ્વાર સાવ બંધ થઈ ગયા એમ પણ માની લેવાની જરૂર નથી. વધુમાં જાણવા મળ્યું છે કે, શનિવારે અમેરિકા અને ઈરાનનાં પ્રતિનિધિ મંડળ વચ્ચે ઈસ્લામાબાદમાં આશરે 21 કલાક જેટલી લાંબી વાટાઘાટો ચાલી હતી. અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસને પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યુ હતું. જ્યારે ઈરાન તરફથી વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને સંસદનાં સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફ વાટાઘાટમાં જોડાયા હતાં.