ભારતીય સિનેમાનાં મહાન ગાયિકા આશા ભોસલેએ 92 વર્ષની વયે જીવનયાત્રા સમેટી લીધી

copy image

copy image

ભારતીય સિનેમાનાં મહાન ગાયિકા આશા ભોસલેએ 92 વર્ષની વયે જીવનયાત્રા સમેટી લીધી છે પણ તેમનાં સૂરીલા અવાજથી તેઓ અમર રહેશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શનિવારની રાતે અચાનક તેમની તબિયત બગડતાં મુંબઈની બ્રીચ કેંડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. છાતીમાં ઇન્ફેક્શન અને થાકનાં કારણે તેમની હાલત લથડી હતી અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તેમનાં અવસાનનાં સમાચારથી બોલીવૂડ અને સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી  હતી. આજે આશા ભોસલેનાં પુત્ર આનંદે તેમનાં નિધનની જાણકારી આપી હતી. આજે સકારે 11 વાગ્યે તેમનાં નિવાસે પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યું . રાષ્ટ્રીય સન્માન સાથે શિવાજી પાર્કમાં સાંજે 4 કલાકે આશાતાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભારતીય સિનેમા અને સંગીત જગતનાં સૌથી પ્રતિષ્ઠિત પાર્શ્વ ગાયિકાઓમાં સામેલ આશા ભોસલેએ સાત દાયકા લાંબી પોતાની સૂરીલી કારકીર્દીમાં 12 હજારથી વધુ ગીત રેકોર્ડ કર્યા હતા અને તેમણે ભારત ઉપરાંત વિદેશી ભાષાઓમાં પણ પોતાનાં અવાજનો જાદુ પાથર્યો હતો. આશાએ ગુજરાતનાં અનેક સદાબહાર ગીત ગાયાં છે. અવિનાશ વ્યાસનું… માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો… અવિસ્મરણીય છે. આશાતાઈનાં નિધન સાથે જાણે સૂરનો સૂરજ આથમી ગયો છે.આશા ભારતની કોયલ ગણાતા ગાયિકા લતા મંગેશકરનાં બહેન હતાં અને પોતાની અદ્ભુત બહુર્મુખી પ્રતિભા માટે જાણીતા હતાં. તેમણે શાત્રીય સંગીતથી માંડીને ગઝલ, કેબ્રે અને પોપ સુધીની શૈલીમાં પોતાની આગવી અને અલાયદી ઓળખ સ્થાપિત કરી હતી. – હજારો ધ્વનિમાં લીન થઈશ : આશાજીની છેલ્લી પોસ્ટ વાયરલ :  આ મહાન ગાયિકાનાં નિધન બાદ 18 માર્ચે તેમણે કરેલી આખરી સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ બની ગઈ હતી.