“તુર્કીએ અમને 1 અબજ ડોલર આપવા જોઈએ અથવા તે દેશની સૌથી સુંદર મહિલાને મારી પત્ની બનાવવા માટે મને સોંપવી જોઈએ : મુહુઝી કૈનેરુગાબા
copy image

યુગાન્ડાના આર્મી ચીફ મુહુઝી કૈનેરુગાબાએ એક એવું નિવેદન આપ્યું છે જે કોઈ બોલીવુડ ફિલ્મની જૂની સ્ક્રિપ્ટ જેવું લાગે છે. મુહુઝી, જે યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીના પુત્ર છે, તેમણે નાટો (NATO) સભ્ય અને ન્યૂક્લિયર તાકાત ધરાવતા દેશ તુર્કીને ખુલ્લેઆમ ચીમકી આપી છે.
તુર્કીને 30 દિવસનું અલ્ટીમેટમ: શું છે સમગ્ર વિવાદ?
11 એપ્રિલ 2026 ના રોજ મુહુઝી કૈનેરુગાબાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક અત્યંત વિવાદાસ્પદ પોસ્ટ કરી. તેમણે જણાવ્યું કે: “તુર્કીએ અમને 1 અબજ ડોલર આપવા જોઈએ અથવા તે દેશની સૌથી સુંદર મહિલાને મારી પત્ની બનાવવા માટે મને સોંપવી જોઈએ. જો 30 દિવસમાં આ માંગ પૂરી નહીં થાય, તો અમે તુર્કી સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખીશું અને તેમનું દૂતાવાસ બંધ કરી દઈશું.” મુહુઝીએ આ માંગણી પાછળ તર્ક આપ્યો કે યુગાન્ડા સોમાલિયામાં આતંકવાદ વિરોધી લડાઈમાં મદદ કરી રહ્યું છે, તેથી તુર્કીએ ‘સિક્યોરિટી ડિવિડન્ડ’ ચૂકવવો જોઈએ.
કોણ છે આ ‘ટ્વીટિંગ જનરલ‘ મુહુઝી? :મુહુઝી કૈનેરુગાબા માત્ર આર્મી ચીફ નથી, પરંતુ યુગાન્ડાના રાષ્ટ્રપતિના મોટા પુત્ર છે અને દેશના સંભવિત ભાવિ રાષ્ટ્રપતિ માનવામાં આવે છે.વિવાદો સાથે નાતો: તેઓ પોતાની વિવાદાસ્પદ ટ્વીટ્સ માટે જાણીતા છે, જેના કારણે અગાઉ પણ અનેક દેશો સાથે સંબંધો વણસ્યા છે.
મહિલા વિરોધી માનસિકતા: અગાઉ પણ આપ્યા છે આવા નિવેદનો :મુહુઝીના આ નિવેદનને દુનિયાભરમાં મહિલા વિરોધી ગણાવવામાં આવી રહ્યું છે. જોકે, આ તેમનો પહેલો ગુનો નથી:
- જિયોર્જિયા મેલોની: અગાઉ તેમણે ઇટાલીના વડાપ્રધાન જિયોર્જિયા મેલોની સાથે લગ્ન કરવાના બદલામાં 100 ગાયો આપવાની ઓફર કરી હતી.
- મહિલા સૈનિકો પર ટિપ્પણી: તેમણે મહિલા સૈનિકોને ટ્રાઉઝર પહેરવાની મનાઈ કરી હતી અને સ્કર્ટ પહેરીને માર્ચ કરવાનું કહ્યું હતું.
- ફિગર પર ટિપ્પણી: તેમણે યુગાન્ડાની મહિલાઓ વિશે કહ્યું હતું કે, “જે મહિલાઓ પુરુષો જેવી દેખાય છે અને તેમનું ફિગર નથી, તેમને અમે જેલમાં નાખીશું. આ દેશના ભવિષ્ય માટે છે.”