ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ માતાના મઢ ખાતે દેશદેવી મા આશાપુરાના દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે
*મુખ્યમંત્રીશ્રી કચ્છની ધરતી પરથી દયાપર અને ગાંધીધામ ખાતે બે જાહેરસભાઓ પણ સંબોધશે* ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે કચ્છ પધારી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ માતાનામઢ ખાતે દેશદેવી મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આરંભ કરશે. મુખ્યમંત્રીશ્રી દ્વારા આવતીકાલે કચ્છની ધરતી પર સૌ પ્રથમ સવારે દયાપર અને ત્યાર બાદ ગાંધીધામ ખાતે એમ બે જાહેર સભાઓનું સંબોધન કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી સૌ પ્રથમ માતાના મઢ ખાતે સવારે દર્શન કર્યા બાદ દયાપર ખાતે આયોજીત વિશાળ જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ સીધા ગાંધીધામ ખાતે પહોંચશે જ્યાં તેમના સ્વાગત માટે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ગાંધીધામ સ્થિત આંબેડકર ભવન ખાતે અન્ય એક જાહેરસભાનું સંબોધન કરશે. આ અવસરે જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે આવતીકાલે જ્યારે મુખ્યમંત્રીશ્રી કચ્છ પધારી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપની ટીમના તમામ કાર્યકર્તાઓમાં ભારે જોશ અને ઉત્સાહની લાગણી ફેલાઈ છે અને આવાને આવા જ જોશ અને ઉત્સાહ મતદાનના દિવસ સુધી જળવાઈ રહેશે અને ભારતીય જનતા પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કચ્છમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરશે એમાં શંકાને ક્યાંય સ્થાન નથી.
ચૂંટણીના માહોલમાં મુખ્યમંત્રીશ્રીના કચ્છ આગમનને લઈને જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઇ જોધાણી સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, તમામ મંડળોના પ્રમુખ – મહામંત્રીશ્રીઓ, તમામ મોરચાના પ્રમુખ – મહામંત્રીશ્રીઓ તેમજ સર્વે ઉમેદવારો સહિત કાર્યકરો હરખભેર તૈયારીઓમાં જોડાઈ ગયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.