*સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કચ્છ ભાજપનો પ્રથમ નગારે ઘા*

*કચ્છ ભાજપના કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ બુલંદીએ* *વિવિધ બેઠકો પરની કુલ ૨૬ બેઠકો બિનહરીફ કબજે કરીને કચ્છમાં ભાજપ એક ઐતિહાસિક, અભૂતપૂર્વ વિજય ભણી આગળ વધી રહ્યું છે – જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ*

*સુપડા સાફ થવાના ભયથી વિરોધ પક્ષોમાં ભારે હડકંપ. વિરોધીઓ હતપ્રભ બનીને હવે બાકીનાની ડિપોઝિટ સાચવવા મારી રહ્યાં છે હવાતિયા*

*કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિકાસ કામો અને કચ્છની જનતાના આવકાર અને આશીર્વાદ થકી કચ્છમાં વિરોધ પક્ષોને આ વખતે કાયમી જાકારો મળશે – દેવજીભાઈ વરચંદ*

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ચાલી રહેલી તબક્કાવાર પ્રક્રિયાઓ દરમિયાન આજરોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે ત્યારે કચ્છ જિલ્લા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં વિવિધ બેઠકો પર મળીને કુલ ૨૬ જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ બિનહરીફ કબજે કરીને પ્રથમ નગારે ઘા માર્યો છે ત્યારે સમગ્ર કચ્છ ભાજપ આ ચૂંટણીના જંગમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેજા હેઠળ ડંકાની ચોટ પર વટભેર મેદાનમાં ઉતરી ચુક્યો છે.

આજે જાહેર થયેલા અંતિમ ચિત્ર મુજબ એક જીલ્લા પંચાયત બેઠક, ૯ તાલુકા પંચાયત બેઠકો, એક મહાનગરપાલિક બેઠક તેમજ ૧૫ નગરપાલિકા બેઠકો સહિત કુલ ૨૬ જેટલી બેઠકો બિનહરીફ રીતે ભારતીય જનતા પાર્ટીને મળવાથી કચ્છ જિલ્લા ભાજપના પ્રત્યેક કાર્યકર્તાઓનો જોશ અને આત્મવિશ્વાસ આજે આસમાનને સ્પર્શી રહ્યો છે અને ભાજપની છાવણીમાં ચારેકોર આનંદ અને ઉત્સાહ વ્યાપી રહ્યો છે.

આ પ્રસંગે પ્રતિભાવ આપતા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કેન્દ્રમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ તેમજ રાજ્યમાં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની બંને સરકારોએ કચ્છ માટે કરેલા અનેક વિકાસકાર્યોના ફળસ્વરૂપે આજે કચ્છમાં વિપક્ષોને મોઢું સંતાડવાની પણ ક્યાંય જગ્યા બચી નથી એ કચ્છના લોકોના ભાજપ પ્રત્યેના અનન્ય પ્રેમ અને આશીર્વાદ થકી જ શક્ય બન્યું છે અને આ આશીર્વાદના બળે જ આગામી તારીખ ૨૮ એપ્રિલના રોજ મત ગણતરીના દિવસે સૌ કચ્છી મતદાર ભાઈ બહેનો ભારતીય જનતા પાર્ટીને એક વિરાટ વિજય તરફ દોરી જશે એમાં લેશમાત્ર પણ શંકા નથી.

વિરોધીઓ પર પ્રહાર કરતા શ્રી વરચંદે જણાવ્યું હતું કે માત્ર ચૂંટણીના દિવસોમાં જ લોકોના પ્રશ્નો અને લોકોને યાદ કરતા આવા કાચિંડા જેવા રંગ બદલતા વિપક્ષોને કચ્છની શાણી જનતા ખૂબ સારી રીતે ઓળખી ચૂકી છે અને માટે જ તેઓને ચારે દિશાઓથી જાકારો મળી રહ્યો છે.