*કચ્છ જિલ્લાના દયાપર અને ગાંધીધામ ખાતે જાહેરસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ*

આજરોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત ભાજપા ઉમેદવારોના સમર્થનમાં કચ્છ જિલ્લાના દયાપર અને ગાંધીધામ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’ને સંબોધિત કરતા કચ્છની વિકાસયાત્રા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ વિષે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ૨૦૦૧ના ભૂકંપ બાદ જે કચ્છને બેઠું કરવું અઘરું જણાતું હતું, તે કચ્છ આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન અને નેતૃત્વ તેમજ કચ્છના નાગરિકોના અતૂટ પરિશ્રમને કારણે ધમધમતું થયું છે. કચ્છની વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી હંમેશા જે કહે છે તે કરે છે અને તે જ કારણે તેમના પ્રતિ જનતાનો વિશ્વાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી મોદીજી ક્યારેય નાનું વિચારતા નથી, અને તેમની આ જ કાર્યશૈલીને લીધે આજે કચ્છના ઘરે-ઘરે નર્મદાના નીર પહોંચ્યા છે.

કચ્છના પ્રવાસન ક્ષેત્રની સફળતાનો ઉલ્લેખ કરતા શ્રી પટેલે જણાવ્યું કે, સફેદ રણ અને ધોરોડોને ગ્લોબલ ટુરિઝમ મેપ પર સ્થાન અપાવી વડાપ્રધાનશ્રીએ સાબિત કર્યું છે કે દૂરંદેશી નેતૃત્વ કોને કહેવાય. જી-૨૦ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું આયોજન પણ આ ભૂમિ પર થયું તે ગૌરવની વાત છે. શિક્ષણ ક્ષેત્રે સરકારની કટિબદ્ધતા દર્શાવતા તેમણે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ વિશે માહિતી આપી હતી.

વધુમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોવિડ જેવી વૈશ્વિક મહામારીમાં પણ ગુજરાતનો વિકાસ અટક્યો નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય અટકશે નહીં. આયુષ્માન કાર્ડ જેવી વિશ્વની સૌથી શ્રેષ્ઠ આરોગ્ય યોજના થકી ગરીબ અને મધ્યમ વર્ગને મફત સારવાર મળી રહી છે.

વિપક્ષો પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, માત્ર ખોટી બૂમો પાડવાથી કશું થતું નથી, તે માટે યોગ્ય આયોજન સાથે કાર્ય કરવું જરૂરી છે, જે ભાજપાએ કરી બતાવ્યું છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાતના ફળસ્વરૂપે ૨૦૦૧માં જે MSMEની સંખ્યા ૧.૮૩ લાખ હતી તે આજે ૨૭ લાખને પાર થઈ છે. પર્યાવરણ અને જળ સંરક્ષણ માટે ‘કેચ ધ રેઈન’ અભિયાનની સફળતા અને સ્વચ્છતા અંગે જણાવ્યું હતું કે વ્યક્તિગત રીતે કરેલા નાના પ્રયાસ પણ મોટા પરિવર્તન લાવી શકે છે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૨૬ એપ્રિલે ભાજપાના ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું અને જણાવ્યું હતું કે ભાજપાને આપેલ પ્રત્યેક વોટ વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશે.

આ પ્રસંગે કચ્છ ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કચ્છ પ્રત્યેના અદભુત અને અપ્રતિમ પ્રેમના પરિણામે આજે જયારે કચ્છનો સર્વાંગી વિકાસ થયો છે અને જ્યારે એક સમયે કચ્છ અભિશ્રાપનું કેન્દ્ર હતું જે આજે આશીર્વાદ નું કેન્દ્ર બન્યું છે ત્યારે કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કચ્છના નાગરિકો ભારતીય જનતા પાર્ટીને ભરપૂર આશીર્વાદ આપશે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ પરિવાર આ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઇને સજ્જ છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારો દ્વારા કચ્છમાં થયેલ અઢળક વિકાસકાર્યોને આધારે કચ્છ ભાજપ પુનઃ એક વખત જબ્બરદસ્ત પરિણામો લાવશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ગાંધીધામ ખાતેથી જણાવ્યું હતું કે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે જ્યારે કચ્છની ધરતી પર મા આશાપુરાના આશીર્વાદ મેળવીને સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી રહ્યા છે ત્યારે કચ્છ પ્રત્યેના મોદી સાહેબના અનન્ય સ્નેહના ચીલે આગળ વધીને ભુપેન્દ્રભાઈએ પણ કચ્છને આપવામાં ક્યારે પાછું વળીને જોયું નથી ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણા સૌની સવિશેષ જવાબદારી બની રહે છે.

અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરહદી તાલુકા અબડાસા, લખપત માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે જ્યારે જ્યારે પણ માળખાકીય સગવડો માટે રજૂઆતો કરવામાં આવી છે ત્યારે તત્ક્ષણ તેનો સાનુકૂળ પ્રતિસાદ અને પડઘો પાડીને તેમણે તમામ માંગણીઓ સ્વીકારી છે જેના પરિણામે આ વિસ્તારમાં અનેક કામો થયા છે ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપ લોકોનો પ્રેમ અને વિશ્વાસ જીતશે એ નિર્વિવાદ બાબત છે.

ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે રણ દરિયો અને ડુંગર ધરાવતા ભારતના અનન્ય ભૂભાગ કચ્છમાં ધરતીકંપ પછી જે ઉડીને આંખે વળગે એવો ઉજળો વિકાસ થયો છે જે વિકાસના મીઠાફળના આસ્વાદ આજે સમગ્ર કચ્છીજનો સુખદ રીતે માણી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની સેવા, અંત્યોદય અને રાષ્ટ્રવાદની વિચારધારાથી પ્રેરિત થઈને કચ્છમાં ભારતીય જનતા પાર્ટી સૌ કચ્છીઓના આશીર્વાદથી સફળતાપૂર્વક આગળ વધી રહી છે.

દયાપર ખાતેની સભામાં જિલ્લા ભાજપ મહામંત્રીઓ હિતેષભાઇ ખંડોર, ભીમજીભાઈ જોધાણી,j પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા ભાજપ હોદેદારો પ્રફુલસિંહ જાડેજા, વિકાસભાઈ રાજગોર, રાજેશભાઈ પલણ, પરેશભાઈ ભાનુશાલી, નયનાબેન પટેલ, અબડાસા, લખપત તેમજ નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખો અનુક્રમે જયદીપસિંહ જાડેજા, ગણપતભાઈ રાજગોર અને ધર્મેશભાઈ કેશરાણી તેમજ વિવિધ જિલ્લા પંચાયત બેઠકોના ઉમેદવારો મંચસ્થ રહ્યા હતા.

દયાપર ખાતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંચાલન જીલ્લા ભાજપ ઉપપ્રમુખ વિકાસભાઈ રાજગોરે જ્યારે આભારવિધિ લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપત રાજગોરે કરી હતી.

ગાંધીધામ ખાતે સભામાં ક્ચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, પ્રદેશ સહ પ્રવક્તા મનજીભાઇ આહીર,જિલ્લા ભાજપ હોદેદારો અશોકભાઈ હાથી, મુલજીભાઈ આહીર, ઉમેશભાઈ સોની આશિકાબેન ભટ્ટ, રૂપલબેન દેસાઈ, કંચનબેન વાઘેલા, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પરમાર, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ બી એન આહીર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સંચાલન મોમાયાભાઈ ગઢવીએ કર્યું હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઇ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.