દહેજ પોલીસની મોટી સફળતા: GFL કંપનીના વેરહાઉસમાંથી થયેલી ₹3.16 કરોડની ચોરીનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ

ભરૂચ જિલ્લાના દહેજ GIDC વિસ્તારમાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ (GFL) કંપનીના વેરહાઉસમાંથી થયેલી ₹3,16,83,000/- ની કિંમતી મિકેનિકલ સીલ અને સ્પેરપાર્ટ્સની ચોરીનો ભેદ દહેજ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ મામલે પંજાબ, રાજસ્થાન અને સ્થાનિક રહેવાસી સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી ચોરાયેલો તમામ મુદ્દામાલ તથા ગુનામાં વપરાયેલી ગાડી સહિત કુલ ₹3.21 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
GFL કંપનીએ અટાલી ગામની સીમમાં વી-લોજિસ્ટિક નામનું વેરહાઉસ નવા પ્લાન્ટના સામાન માટે ભાડે રાખ્યું હતું. ગત તા. 15/04/2026 થી 16/04/2026 દરમિયાન તસ્કરોએ વેરહાઉસનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી ₹15 લાખની કિંમતનું એક એવા 21 નંગ કિંમતી મિકેનિકલ સીલ (કિંમત ₹3.15 કરોડ), ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ અને અન્ય સ્પેરપાર્ટ્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોઈ વડોદરા રેન્જ આઈજી અને ભરૂચ એસપીની સૂચનાથી દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.
સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી સર્વેલન્સ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વાદળી રંગની બ્રેઝા ગાડીમાં મુદ્દામાલ લઈ આરોપીઓ રહીયાદ ચોકડી તરફ આવી રહ્યા છે. પોલીસે વોચ ગોઠવી ગાડી આંતરી તેમાં સવાર 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછમાં અન્ય બે સાગરીતોના નામ ખુલ્યા હતા, જેઓ રહીયાદ ચોકડી પાસેની પતરાની દુકાનમાં બાકીનો સામાન સંતાડીને બેઠા હતા. પોલીસે ત્યાં દરોડો પાડી તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. મુખ્ય આરોપી વિશાલદીપસિંહે અન્ય એક બાઈકની ચોરી અને અગાઉ માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ચોરીની પણ કબૂલાત કરી છે.
પોલીસે આ કાર્યવાહીમાં ₹3.15 કરોડની કિંમતના 21 નંગ મિકેનિકલ સીલ, ₹1.83 લાખના સ્પેરપાર્ટ્સ, બ્લ્યુ બ્રેઝા ગાડી, ચોરીનું TVS બાઈક અને 2 મોબાઈલ મળી કુલ ₹3,21,68,000/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં વિશાલદીપસીંગ, ગુરુસેવકસીંગ, હરવિન્દરસીંગ, રાજદીપસીંગ (તમામ રહે. પંજાબ), ભગીરથ ગુર્જર (રહે. રાજસ્થાન) અને સ્થાનિક જયદેવભાઈ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર પ્રદેશનો બલવિંદરસિંગ હજુ વોન્ટેડ છે