રાપર તાલુકા પંચાયતની ચુંટણીમા રાજકીય ગરમાવો: ભીમાસર બેઠકના AAP ઉમેદવાર મનસુખભાઈ ચાવડા સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા

ગુજરાતમાં લોકશાહીના પર્વ સમાન ચૂંટણીના માહોલ વચ્ચે કચ્છના રાપર વિસ્તારમાં મોટા રાજકીય ઉલટફેર જોવા મળ્યા છે. ૫-ભીમાસર-૧ તાલુકા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ના સત્તાવાર ઉમેદવાર શ્રી મનસુખભાઈ હરખાભાઈ ચાવડાએ આજે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષને પોતાનો જાહેર ટેકો જાહેર કરી, પોતાના વિશાળ સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાઈ જવાનો નિર્ણય લીધો છે.
આજ રોજ રાપર કોંગ્રેસ કાર્યાલય ખાતે રાપરના શ્રી ભચુભાઈ આરેઠીયા અને રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં મનસુખભાઈ ચાવડાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના બાબુભાઈ ચૌધરી, પરબતભાઇ કારા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરોએ તેમને અને તેમના સમર્થકોને પક્ષમાં ઉષ્માભર્યું આવકાર આપ્યો હતો.
મનસુખભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, “વર્તમાન સમયમાં દેશના લોકતંત્રને બચાવવું એ આપણી નૈતિક ફરજ છે. વાગડ વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા અને સમૃદ્ધ વાગડના નિર્માણ માટે કોંગ્રેસ પક્ષની વિચારધારા જ સક્ષમ છે. ભચુભાઈ આરેઠીયાની કાર્યશૈલી અને વિસ્તારના વિકાસ માટેની તેમની પ્રતિબદ્ધતાથી પ્રેરાઈને મેં અને મારા સાથીઓએ નિઃસ્વાર્થ ભાવે કોંગ્રેસને સમર્થન આપવાનું નક્કી કર્યું છે.” આ તકે શ્રી ભચુભાઈ આરેઠીયાએ જણાવ્યું હતું કે, “મનસુખભાઈ અને તેમના સાથીઓના આવવાથી કોંગ્રેસ પક્ષની તાકાતમાં વધારો થયો છે. આ જોડાણ સાબિત કરે છે કે લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. આપણે સૌ સાથે મળીને લોકતંત્રને મજબૂત કરીશું અને વાગડના છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યો પહોંચાડીશું.”
લોકશાહીની મુહિમ વધુ તેજ બનશે:
રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડે નવનિયુક્ત સભ્યોનું સ્વાગત કરતા કહ્યું કે, મનસુખભાઈનો સહકાર આગામી સમયમાં કોંગ્રેસ માટે નિર્ણાયક સાબિત થશે. ‘સમૃદ્ધ વાગડ’ ના સંકલ્પ સાથે હવે ટીમ કોંગ્રેસ ગામેગામ જનસંપર્ક વધુ તેજ બનાવશે.
આમ, ભીમાસરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનું કોંગ્રેસમાં જોડાણ થતાં સ્થાનિક રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે અને કોંગ્રેસનો પક્ષ વધુ મજબૂત બન્યો છે.