અમેરિકામાં લુઈસિયાનામાં રવિવારે અંધાધૂંધ ગોળીબાર કરી પિતાએ જ કર્યા આઠ બાળકનાં મોત

અમેરિકામાં લુઈસિયાનામાં રવિવારે અંધાધૂંધ ગોળીબારથી  ભારે ભય સાથે મચેલી ભાગદોડ વચ્ચે આઠ બાળકનાં મોત થયાં હતાં. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૃતક બાળકોની ઉંમર એકથી 14 વર્ષની છે.વધુમાં મૃતકોમાં સૌથી નાનો માસૂમ બાળક માત્ર એક વર્ષનો હતો. લોહિયાળ ગોળીબાર કરનારા હુમલાખોરને પણ પોલીસે ઠાર કરી નાખ્યો હતો. પોલીસ અધિકારી ક્રિસ બોર્ડેલોના જણાવ્યા અનુસાર ઘરેલુ ઝઘડાના કારણે આ હિંસા થઈ હતી . આ અંધાધૂંધ ગોળીબાર કરનાર હુમલાખોર બીજું કોઈ નહીં પણ બાળકોનો પિતા શમર એલ્કિન્સ  હતો. માનસિક રીતે અસ્થિર મનાતા આ પિતાએ કૌટુંબિક ઝઘડામાં પોતાના જ 7 સંતાનો અને એક ભત્રીજા/ભત્રીજી સહિત કુલ 8 નિર્દોષ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.સવારે છ વાગ્યાથી વિવાદ શરૂ થયો હતો. અચાનક એક શખ્સે બંદૂક હાથમાં લઈને ગોળીઓ વરસાવવા  માંડતાં એક પછી એક આઠ બાળકની હત્યા કરાઇ હતી . ગોળીબાર કર્યા બાદ હુમલાખોર નાસી છૂટયો હતો, પરંતુ પીછો કરીને પોલીસે કરેલાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.