ઈરાને વાટાઘાટના બીજા રાઉન્ડ માટે ઇનકાર કર્યો

copy image

copy image

ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચે જારી યુદ્ધવિરામની સમયમર્યાદા પૂર્ણ થવા તરફ છે ત્યારે નેતાઓના નિવેદનોથી સ્થિતિ હજુ થાળે પડે તેવા કોઈ સંકેત મળી રહ્યા નથી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર એક તરફ શાંતિ વાતચીતના બીજા તબક્કા માટે પાકિસ્તાનમાં તૈયારી ચાલી રહી છે, પણ ઈરાને વાટાઘાટના બીજા રાઉન્ડની આનાકાની કરી છે અને કહ્યું છે કે, જ્યાં સુધી અમેરિકા હોર્મુઝની ખાડીની નાકાબંધી દૂર કરશે નહીં ત્યાં સુધી તે પ્રતિનિધિ મંડળને પાકિસ્તાન મોકલશે નહીં. આમ વાટાઘાટ અનિશ્ચિત બની છે અને આવતીકાલે અમેરિકી ટીમ પાકિસ્તાન પહોંચવાની છે. જો કે, આ વખતે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ જોડાશે નહીં. તે દરમ્યાન જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચિરપરિચિત અંદાજમાં ઈરાનને સંપૂર્ણ નષ્ટ કરવા ધમકી આપી હતી તો બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને પરમાણુ હથિયારો મુદ્દે કોઈ સમાધાન નહીં કરવાનું સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, ઈરાનને પરમાણુ હથિયાર ન રાખવાનું કહેનારું અમેરિકા કોણ છે. આજે  એક જ નિવેદનમાં ટ્રમ્પના બે અલગ વહેવાર જોવા મળ્યા હતા. એક તરફ તેમણે ઈરાનની માળખાંકીય સુવિધાઓ સંપૂર્ણ નષ્ટ કરવાની ધમકી આપી હતી. તો બીજી તરફ પાકિસ્તાનમાં યોજાનારી બીજા તબક્કાની વાતચીત માટે `ઉચિત અને તર્કસંગત’ સમજૂતીનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો .ઈરાનનાં ઉપવિદેશમંત્રી  સઈદ ખાતિબજાદહે કહ્યું હતું કે, બીજા ચરણની બેઠક માટે કોઈ તારીખ નક્કી નથી. જો અમેરિકા કોઈપણ પ્રકારની અતિવાદી માગણી મૂકશે તો તેનો સ્વીકાર કરવો સંભવ નહીં રહે.