સમગ્ર વિસ્તારના આગેવાનો અને મહિલા-યુવાનોમાં જબ્બરદસ્ત ઉત્સાહ

ભારતીય જનતા પાર્ટી પરનો વિશ્વાસ જ એ બતાવે છે કે ભુજના અનેક વોર્ડની સાથે વોર્ડ નંબર છ પણ વિકાસ અને નગરસેવકોની કાર્યદક્ષતા સાથે લોકોનો વિશ્વાસ જીતવા હરહમેશ તત્પર રહ્યો છે. એ વિશ્વાસનું પ્રતિપાદન જ અમારી સાચી મૂડી છે અને એ અમે કાયમ જાળવી રાખવા કટિબદ્ધ છીએ એવું મંતવ્ય દરજી જ્ઞાતિની વાડી, છઠ્ઠી બારી રિંગ રોડ ખાતે ભુજ નગરપાલિકાના છઠ્ઠા વોર્ડના કાર્યાલયને ખુલ્લુ મૂકતાં આગેવાનોએ વ્યક્ત કર્યું હતું.
ભાજપ દ્વારા આ વોર્ડમાં સંતોષકારક કાર્ય થયું છે જે અહીંના મતદારોનો ભાજપ પર અતૂટ વિશ્વાસ અને પરસ્પરના વફાદારીપૂર્વકના સંબંધોને કારણે છે. આ વખતે પણ ભાજપના ઉમેદવારો આ વિસ્તારમાં કોઈપણ કાર્ય કરવામાં પાછળ નહીં રહે તેની ખાતરી આપી હતી. તા. ૨૬ના મતદાનના દિવસે ભાજપના ચારેય ઉમેદવારો જલધિભાઈ વ્યાસ, પ્રશાંતગિરિ ગોસ્વામી, ધ્વનીબેન ગણાત્રા અને હિનાબા જાડેજાને જંગી બહુમતીથી જીતાડવા આગેવાનોએ હાકલ કરી હતી.
સ્વાગત સંબોધન કરતાં આ વોર્ડમાંથી સતત ત્રીજી વાર ઉમેદવારી નોંધાવનાર જલધિ વ્યાસે હૃદયસ્પર્શી વાત કરતા કહ્યું હતું કે જે વૉર્ડમાંથી અગાઉ રસિકભાઈ ઠક્કર, શંકરભાઈ ઠક્કર અને અરુણભાઈ વચ્છરાજની જેવા કર્મનિષ્ઠ નગરસેવકોએ કાર્ય કર્યું હોય એ વિસ્તારમાં સતત ત્રીજી વાર ઉમેદવારી નોંધાવવી એ મારે મન મોટું સૌભાગ્ય છે. અમે સૌ એમનો ચીલો યાદ રાખીને આગળ વધીશું. આ ઉપરાંત શ્રી વ્યાસે મતદારોને પોતાના જ હિતેચ્છુ સભ્યો ગણાવી વિસ્તારમાં અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સાથે પ્રજાકીય કાર્યોમાં પણ ક્યાંય કચાશ ના રહે તેની તકેદારી રાખવાની બાંહેધરી આપી પેનલના તમામ ઉમેદવારોને એવાજ ઉત્સાહ સાથે વધુમાં વધુ મતદાન કરી જંગી બહુમતી અપાવવા અપીલ કરી આ વિસ્તારના કોઈપણ કાર્ય માટે ચારે ઉમેદવારોની તત્પરતાની ખાતરી આપી હતી.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ સેવાને વરેલો પક્ષ છે. શહેરની સુખાકારી માટે કદાચ ઉમેદવાર બદલે તો પણ પ્રજાકીય કાર્યો કરવાની ભાજપની નીતિ એ જ રહે છે. આ વખતે ભુજના દરેક વોર્ડમાં કાર્યકારોનો ઉત્સાહ અને લોકોની ભાજપ પ્રત્યેની નિષ્ઠા ચોક્કસ કામ કરશે અને ;ભુજમાં અભૂતપૂર્વ પરિણામો લાવી ભાજપ દાખલો બેસાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કહ્યું હતું કે આગલા પાંચ વર્ષ દરમ્યાન નગરસેવકોની કામ કરવાની નિષ્ઠા અને ક્ષમતાનો પરિચય ભુજના વોર્ડ નંબર છ ના મતદારોને મળી ગયો છે, તેથી ભાજપ અહીં કેવું કામ કરી શકે છે એ જાણતા અહીંના મતદારો ઊંચા મતદાન સાથેનો ઉત્સાહ બતાવશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે અને ભુજનો આ વિસ્તાર ફરી કાર્યદક્ષ નગરસેવકોના સલામત હાથમાં ધમધમતો થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
કે.ડી.સી.સી.ના ચેરમેન અને પૂર્વ નગરપતિ દેવરાજભાઈ ગઢવીએ ભુજના છટ્ઠા વોર્ડના નગરસેવકોએ કરેલાં કાર્યોની યાદ અપાવી
જલધિભાઈ જેવા નગરસેવકો અન્ય સેવાકીય કામગીરીમાં પણ આગળ રહેતા હોઇ પ્રજાના કાર્યો કરવા હમેંશા તત્પર રહેશે તેથી હમેંશની જેમ ભાજપની પડખે રહેવા અપીલ કરી હતી.
પ્રારંભમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા દીપપ્રાગટ્ય કરી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. સમગ્ર સમારોહનું સંચાલન જલધિ વ્યાસે જ્યારે આભારવિધિ પૂર્વ નગરસેવક ભૌમિકભાઈ વચ્છરાજાનીએ કરી હતી.
આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અશોકભાઈ હાથી, રેશ્માબેન ઝવેરી, ભુજ લોહાણા મહાજન પ્રમુખ ડો. મુકેશ ચંદે, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર, મહામંત્રી રિતેનભાઈ ગોર, જિગરભાઈ શાહ, શહેરના ઈન્ચાર્જ કિરીટભાઈ સોમપુરા, બાલકૃષ્ણભાઈ મોતા, વોર્ડ નંબર ૬ ના ઇન્ચાર્જ જયંતભાઈ ઠક્કર, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, અન્ય ત્રણેય ઉમેદવારો પ્રશાંતગિરી ગોસ્વામી, હિનાબા ઝાલા, ધ્વનિબેન ગણાત્રા ભુજ માકપટ જૈન સમાજના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ભુજ તાલુકા બ્રહ્મસમાજ પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રવાડી, પરશુરામ સેના પ્રમુખ અજયભાઈ જોશી, ભુજ તાલુકા બ્રહ્મસમાજ પૂર્વ પ્રમુખ મનોજભાઈ જોશી, સેજવાળા માતમ, જુમ્માવાડી, ફતેહમામદના હજીરા જેવા વિસ્તારોમાંથી મુસ્લિમ અગ્રણીઓ અધાભા પઠાણ, હનીફ સમેજા, રજ્જુખાન પઠાણ, અઝહરુદ્દીન સૈયદ, અબ્દુલભાઈ, રમજુભાઈ સહિતના મુસ્લિમ બિરાદરો ઉપરાંત પક્ષના હોદેદારો, અગ્રણીઓ, ધર્મગુરુઓ, વિવિધ સમાજ અને સંસ્થાના આગેવાનો, વિવિધ વ્યાપારી મંડળોના મોભીઓ સહિત વોર્ડ નં 6 ના સમગ્ર વિસ્તારના મતદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ વોર્ડ ભુજના અનેક સમાજના અગ્રણીઓ સાથે અગ્રેસર રહ્યો છે. તેની સાબિતી રૂપે બહોળી સંખ્યામાં હાજર રહેલા સમાજો જેમાં ભુજ તાલુકા બ્રહ્મ સમાજ, કચ્છ પરશુરામ સેના, લોહાણા સમાજ, વાગડ બે ચોવીસી અને સાત ચોવીસી સમાજ, વડનાગરા નાગર અને નાગર બ્રાહ્મણ સમાજ, દશનામ ગોસ્વામી સમાજ, દરજી સમાજ, વૈષ્ણવ વણિક સમાજ, ભાટિયા મહાજન, સલાટ સમાજ, ચારણ સમાજ, રાજપૂત ક્ષત્રિય સમાજ સહિત બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા.
આ વિસ્તારમાં આવતા ગામતળના દરેક ગરબી મંડળો અને ગણેશ મંડળો જેમાં જૂની અને નવી ઉમેદનગર ગરબી મંડળ, હાંડલાં ગરબી મંડળ, ગેરવાળી વંડી ગરબી મંડળ, વંડી ફળિયા મિત્ર મંડળ, નાગર ચકલા સ્થિત સંવેદના ગરબી અને ગણેશ મંડળ, સિદ્ધિ વિનાયક ગ્રુપ મહાદેવ ગેટ, નાનો વોકળો મિત્ર મંડળ, વોકળા ફળિયા મિત્ર મંડળ, કાયસ્થ શેરી, પબુરાઈ ફળિયા, સવાયા ફળિયા મિત્ર મંડળ, આશાપુરા યુવક મંડળ, ગોવાળ શેરી યૂથ સર્કલ, બારસાખીયા રાજપૂત સમાજ મિત્ર મંડળ, છઠ્ઠી બારી અને તળાવ શેરી વ્યાપારી એસોસિએશન, સોનીવાડ ગરબી મંડળ, ભૂતનાથ સેવ સંસ્થાન, સેજવાળા માતમ ગ્રુપ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.