જખૌમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા, વિકાસના મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા, મોટી સંખ્યામાં લોકોની હાજરી

જખૌ ગામમાં સ્થાનીય સ્વરાજની જિલ્લા તથા તાલુકા પંચાયત ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા મતદારોને પ્રભાવિત કરવા જાહેર સભાઓ, પ્રચાર કાર્યક્રમો અને જનસંપર્ક અભિયાન તેજ બન્યા છે. તે અનુસંધાને તારીખ 23 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યે જખૌ બજાર ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
આ જાહેર સભામાં આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક સંજયભાઈ બાપટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે અબડાસા વિસ્તારના નલિયા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર તથા અબડાસા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, જખૌ તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર ભીમજીભાઈ કોલી, મોથાળા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ઈસાભાઈ સુમરા, નલિયા-2 તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર ઈશાભાઈ કેર, મોટી બેર બેઠકના ઉમેદવાર સુલતાનભાઈ કેર સહિતના અનેક આગેવાનો મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ પાર્ટીના ઉપપ્રમુખ રાજુભાઈ મોમાયા, સંગઠન મંત્રી અબ્દ્રેમાન સંગાર, તેમજ કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો જેમ કે અબ્બાસ સુયા, સતાર કેર, મુબારક કેર, સુમરાજી અબડા, જાલુભા અબડા, શંકરભાઈ, લખમશી ભાનુશાલી, અઝહર વાઘેર અને ઇબ્રાહિમ સંગાર સહિત અનેક સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કોલી સમાજના પ્રતિનિધિઓ તરીકે જગદીશ કોલી, કાસુ સાંયા અને ઉમર સાંયા જેવા આગેવાનોની હાજરી પણ નોંધપાત્ર રહી હતી.
જાહેર સભાનું સંચાલન અભૂબાઈ ભટ્ટીએ સંભાળ્યું હતું, જ્યારે સંબોધન અને આભાર વિધિ રાજુભાઈ મોમાયા દ્વારા કરવામાં આવી હતી.
સભા દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જખૌ ગામમાં વિકાસના નામે ચાલી રહેલી ખોટી રાજનીતિ અને વર્ષોથી ચાલતી સમસ્યાઓ પર તીખી ટિપ્પણીઓ કરી હતી. ગ્રામજનોને સંબોધતા તેમણે જણાવ્યું કે, મતદાનના દિવસે એકજૂટ થઈને આમ આદમી પાર્ટીને જંગી બહુમતી આપીને અન્ય રાજકીય પક્ષોને યોગ્ય જવાબ આપવાનો સમય આવી ગયો છે.
ઉમેદવાર મહાવીરસિંહ જાડેજાએ પોતાના ભાષણમાં ગામની ગંભીર સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું કે, જખૌમાં મહિલાઓને આજેય એકથી બે કિલોમીટર દૂર જઈને પીવાનું પાણી લાવવા મજબૂર થવું પડે છે અને તે પણ સ્વચ્છ કે પીવા લાયક નથી. વધુમાં તેમણે સવાલ ઉઠાવ્યો કે, જ્યારે તાલુકા પંચાયત અને સરપંચ બંને સત્તા પક્ષ સાથે જોડાયેલા છે, ત્યારે પણ મૂળભૂત સુવિધાઓ કેમ ઉપલબ્ધ નથી થઈ રહી?
જખૌ તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર ભીમજીભાઈ કોલીએ પોતાના ભાષણમાં સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, જખૌના ઇતિહાસમાં પ્રથમ વખત કોલી સમાજમાંથી ઉમેદવાર ઉભો થયો છે અને કોલી સમાજે હંમેશા અન્ય સમાજના ઉમેદવારોને સમર્થન આપ્યું છે. હવે સમય આવ્યો છે કે તમામ સમાજો ભેદભાવ ભૂલીને કોલી સમાજના ઉમેદવારને સમર્થન આપે.
સ્ટાર પ્રચારક સંજયભાઈ બાપટે પોતાના ઉર્જાસભર ભાષણમાં અનેક સ્થાનિક મુદ્દાઓને ઉજાગર કર્યા હતા. તેમણે ગૌચર જમીન પર ગેરકાયદેસર કબજો, સ્થાનિક મજૂરોને નોકરીમાંથી દૂર કરવાની ઘટનાઓ, પીવાના પાણીની ગંભીર સમસ્યા, ભૂગર્ભ ગટર યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો કે, વર્ષો સુધી સત્તામાં રહેલા પક્ષોએ આ સમસ્યાઓ માટે શું પગલાં લીધાં? અને મતદારોને અપીલ કરી કે, આ વખતે મતદાન દ્વારા યોગ્ય જવાબ આપવો જરૂરી છે.
સભામાં અન્ય આગેવાનોએ પણ પોતાના વિચારો વ્યક્ત કરીને આમ આદમી પાર્ટીને મજબૂત સમર્થન આપવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિકાસ, પારદર્શિતા, રોજગાર અને મૂળભૂત સુવિધાઓ જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા.
જખૌમાં યોજાયેલી આ જાહેર સભાએ આવનારી ચૂંટણીઓ માટે રાજકીય સમીકરણોમાં નવો વળાંક લાવ્યો છે. મોટી સંખ્યામાં લોકોની હાજરી દર્શાવે છે કે, ગામમાં રાજકીય ચેતના અને પરિવર્તનની ઈચ્છા મજબૂત બની રહી છે. હવે જોવાનું રહ્યું કે, મતદારો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાનના દિવસે કઈ દિશામાં નિર્ણય કરે છે.