ખોટું પગલું ભરશો તો જહાજો દરિયામાં સળગતા જોવા મળશે: ઈરાન

copy image

અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ કઈ બાજુ જઈ રહ્યું છે, તે કંઈ સ્પષ્ટ નથી. એક તરફ પ્રથમ તબક્કાની વાતચીત બાદ મામલો થંભી ગયો છે, તો બીજી તરફ બંને પક્ષો તરફથી ધમકીઓનો સિલસિલો યથાવત છે. મળતી માહિતી મુજબ  હોર્મુઝમાંથી જહાજો વચ્ચે-વચ્ચે પસાર થતા જોવા મળી રહ્યા છે, પરંતુ તેની કોઈ સિસ્ટમ બની શકે તેમ નથી. અમેરિકા નૌસેનાની નાકેબંધી હટાવવા તૈયાર નથી અને ઈરાન હોર્મુઝ પર પોતાનો કબજો છોડવા માંગતું નથી. યુદ્ધના બે મહિના પછી પણ માત્ર બંને તરફથી નિવેદનબાજી થઈ રહી છે, શાંતિ કરાર તરફ કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. ત્યારે હવે ટ્રમ્પે પરમાણુ હથિયારો મુદ્દે ઈરાનને અલ્ટિમેટમ આપી દીધું છે.આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા અને યુદ્ધ ખતમ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે અમેરિકા આ પ્રસ્તાવને લઈને પૂરી રીતે આશ્વસ્ત નથી અને ટ્રમ્પ તેનાથી સંતુષ્ટ દેખાતા નથી. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે ઈરાનનો પ્રસ્તાવ પહેલા કરતા સારો છે, પરંતુ કોઈ પણ કરાર એવો હોવો જોઈએ જેનાથી ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની દિશામાં આગળ ન વધી શકે. ઈરાન તેના માટે સંમત નથી. ઈરાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા રઝા તલાયી-નિકે અમેરિકાની માંગણીઓને ગેરકાયદેસર અને ખોટી ગણાવતા કહ્યું કે હવે અમેરિકા કોઈ સ્વતંત્ર દેશ પર પોતાની શરતો લાદી શકે નહીં. મંગળવારે ટ્રમ્પે એક કાર્યક્રમમાં જાણાવ્યું કે અમેરિકાએ ઈરાનને સૈન્ય રીતે હરાવ્યું છે અને તે ક્યારેય ઈરાનને પરમાણુ હથિયાર મેળવવા દેશે નહીં. આ દરમિયાન બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ III પણ હાજર હતા. જો કે ત્યારબાદ તરત જ ઈરાને ધમકી આપી હતી કે જો અમેરિકા કોઈ પણ પ્રકારનું ખોટું પગલું ભરશે તો તેના જહાજો દરિયામાં સળગતા જોવા મળશે.