મોબાઇલમાં સાયરન વાગે તો ગભરાશો નહીં

copy image

copy image

મોબાઈલમાં અચાનક જોરદાર સાયરન વાગે, તો ગભરાવાની જરૂર નથી. કારણ કે, કેન્દ્ર સરકાર દ્વારા સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ કરાઇ રહ્યું છે બીજી મેના દેશના વિવિધ વિસ્તારોમાં આ ટેસ્ટિંગ હાથ ધરાશે, જેમાં તમારા મોબાઈલ પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)નો મેસેજ દેખાશે. આ એક ટ્રાયલ છે અને તેમાં કોઈ ખતરો નથી તેથી મેસેજ મળતાં જ ગભરાશો નહીં અને કોઈ ખાસ પગલાં લેવાની જરૂર નથી. આ પરીક્ષણનો મુખ્ય હેતુ ભવિષ્યમાં આપત્તિના સમયમાં લોકોને ઝડપથી માહિતી પહોંચાડવાનો છે. આ એલર્ટ સિસ્ટમ `કોમન એલર્ટિંગ પ્રોટોકોલ’ પર આધારિત છે અને તે પહેલેથી જ દેશના તમામ 36 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા ચોક્કસ વિસ્તારમાં હાજર મોબાઈલ યુઝર્સને સીધો મેસેજ મોકલવામાં આવે છે. ખાસ વાત એ છે કે, આ મેસેજ માત્ર તે જ વિસ્તારના લોકોને મળશે, જ્યાં જોખમ હોય. એસએમએસ અથવા ફ્લેશ એલર્ટ દ્વારા આપત્તિ સંબંધિત ચેતવણી મોકલાશે, જેથી લોકો સમયસર સચેત થઈ શકે. આ સિસ્ટમ સેકન્ડોમાં લાખો લોકો સુધી પહોંચે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે.  આ સિસ્ટમનો મુખ્ય હેતુ ભૂકંપ, સુનામી, વીજળી પડવી કે ગેસ લીકેજ જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિની પરિસ્થિતિઓમાં લોકોને ઝડપથી ચેતવણી આપવાનો છે. જ્યારે એલર્ટ આવશે, ત્યારે તમારો ફોન સાયલન્ટ મોડમાં હોવા છતાં જોરદાર એલાર્મ વાગશે અને સ્ક્રીન પર ફ્લેશ મેસેજ દેખાશે. આથી લોકો તરત જ સચેત થઈ શકે અને સુરક્ષિત સ્થળે પહોંચી શકે. આ ટેસ્ટિંગ સી-ડોટ દ્વારા વિકસિત સ્વદેશી સચેત સિસ્ટમ હેઠળ કરવામાં આવી રહ્યું છે, જે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.