મુંદરા પોર્ટ ઉપર 20 કરોડની સિગારેટનો કન્ટેનર ઝડપાયું
copy image

મુંદરા પોર્ટ પર મિસડિક્લેરેશનની અવારનવાર બહાર આવતી ઘટનાઓમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ ડી.આર.આઈ.એ છેલ્લા બે દિવસથી કરેલી કાર્યવાહીમાં રૂા. 19.87 કરોડની કિંમતનો આયાતી સિગારેટનો જથ્થો ઝડપાયો હતો. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સિંગાપુરથી આવેલા કન્ટેનરમાં અને દાદરી આઈસીડીએસ જતા કન્ટેનરમાં બાતમીના આધારે તપાસ કરતાં 22.80 લાખ નંગ ડુપ્લીકેટ ગોલ્ડ ફ્લેક સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. સત્તાવાર દસ્તાવેજોમાં ટિસ્યૂ પેપરનો જથ્થો દર્શાવાયો હતો. દરમિયાન, આયાત-નિકાસ સાથે સંકળાયેલા સૂત્રોએ બતાવ્યું હતું કે, ઓરિજિનલ આયાતી સિગારેટમાં ડયૂટી વધુ લાગે છે. એટલે ડયૂટીચોરી માટે મિસડિક્લેર કરીને માલ મંગાવવામાં આવે છે. આ સાથે એ પણ પ્રશ્નો ઊભા થાય છે કે, ડીઆરઆઈએ જાહેર કરેલો નકલી સિગારેટનો જથ્થો ખરેખર નકલી છે કે કેમ ? કારણ કે, ભારતમાં અસલી આયાતી સિગારેટો પૂરા પ્રમાણમાં મળે છે. તો નકલી સિગારેટ તો લોકો શા માટે લેશે ? આમાં ડીઆરઆઈ અને જે આયાતકાર કંપનીનો માલ ઝડપાયો છે, એની વચ્ચેની કંઈક સાઠગાંઠની પણ શંકા ઊભી કરે છે.