બંગાળમાં મમતા હવે મુખ્યમંત્રી નહીં : ભાજપ દ્વારા શપથગ્રહણની તૈયારી
copy image

આઝાદ દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઇ મુખ્યમંત્રીની પદ નહીં છોડવાની `રાજહઠ’ વચ્ચે આખરે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ આર. એન. રવિએ વિધાનસભા ભંગ કરી દીધી હતી. આમ, હવેથી મમતા બેનર્જી મુખ્યમંત્રી નથી.મળતી માહિતી મુજબ બંગાળની ચૂંટણીમાં કારમી હાર છતાં પણ રાજીનામું આપવાના ઇન્કાર બાદ રાજ્યપાલે વિધાનસભાનો કાર્યકાળ ખતમ થઇ જતાં બંગાળનું આખું મંત્રીમંડળ બરખાસ્ત કરી દીધું હતું. ખાસ વાત તો એ છે કે, રાજીનામાં પર જારી રાજકીય ખેંચતાણ વચ્ચે વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય પૂર્ણપણે બંધારણીય પ્રક્રિયા હેઠળ લેવાયો છે. આ ફેંસલા સાથે 15 વર્ષના તૃણમૂલ યુગનો બંગાળમાં વિધિવત અંત આવ્યો છે.લોકભવનમાંથી ગુરુવારની સાંજે વિધાનસભા ભંગ અંગે સત્તાવાર જાહેરનામું જારી કરી દેવાયા બાદ હવેથી મમતા કે તેમના કોઇ પણ મંત્રી પાસે કોઇ જ સત્તા નહીં રહે. હવે જ્યાં સુધી નવી સરકાર નહીં રચાય ત્યાં સુધી રાજ્યનો વહીવટ રાજભવનની દેખરેખ હેઠળ રહેશે. એટલે કે નવમી મે સુધી બંગાળનું કામકાજ રાજભવનની દેખરેખમાં થશે આ રાષ્ટ્રપતિ શાસન નથી, પરંતુ એક વચગાળાની વ્યવસ્થા છે. શુક્રવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક થશે, જેમાં મુખ્યમંત્રીનાં નામનું એલાન કરાશે.અને નવમી મે, શનિવારની સવારે શપથગ્રહણ સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહની સાથોસાથ ભાજપ અને એનડીએના મુખ્યમંત્રીઓ જોડાશે. બેનરજીએ પરિણામને મનઘડંત ગણાવી દીધા હતા અને હાર માનવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. જો કે હવે મમતા બેનરજીની સરકારને બંધારણની જોગવાઈઓ હેઠળ ભંગ કરી દેવામાં આવી છે.