ભારતની સરકારી ઓઈલ કંપનીઓ વેઠી રહી છે મહિને ₹30,000 કરોડનું તોતિંગ નુકસાન!
copy image

ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા પછી હોર્મુઝની ખાડી બંધ થઈ ગઈ. હોર્મુઝની ખાડીના રસ્તે વિશ્વના ૨૦ ટકા ઓઈલનો વેપાર થતો હતો. આ વેપાર અટકી જતાં દુનિયાભરમાં ઓઈલ-ગેસની અછત સર્જાઈ છે અને ૨૫થી ૩૦ ટકા ભાવવધારો ઝીંકાયો છે. ભારતમાં પણ ખાનગી ગેસ અને પેટ્રોલિયમ કંપનીઓએ ભાવવધારો કરી દીધો છે, પરંતુ સરકારી ઓઈલ કંપનીઓએ ભાવમાં વધારો કર્યો નથી. ભારતમાં સરકારી કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ-ગેસમાં ભાવ વધારો કર્યો નથી. કારણ કે કેન્દ્ર સરકારે કોઈ જ અવરોધ વગર પેટ્રોલ-ડીઝલ મળી રહે તેવી ખાતરી આપી હતી. જોકે, સરકારી ઓઈલ કંપનીઓના સૂત્રોને ટાંકીને કહેવાયું હતું કે પેટ્રોલિયમમાં ભાવ વધારાયો ન હોવાથી કંપનીઓને મહિને ૩૦ હજાર કરોડનું તોતિંગ નુકસાન થઈ રહ્યું છે. દરરોજ ૭૦૦થી એક હજાર કરોડનું નુકસાન સરકારી ઓઈલ કંપનીઓ ખમી રહી છે. કાચી સામગ્રીમાં, ઉત્પાદનમાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ઉત્પાદનમાં પ્રતિ લીટર ૧૦ રૂપિયાનો ઘટાડો ન કર્યો હોત તો આ નુકસાની વધીને ૬૨ હજાર કરોડે પહોંચી ગઈ હોત. ટ્રાન્સપોર્ટેશન, કાચા તેલનો વધી ગયેલો ભાવ, વીમા કંપનીઓનું વધેલું પ્રીમિયમ અને રિફાઈનરીમાં ખર્ચ વધી ગયો હોવાથી પેટ્રોલિયમમાં ભાવ વધારો કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, સરકારે દર મહિને ૧૪ હજાર કરોડની એક્સાઈઝ ડયૂટી જતી કરી હોવાથી ભાવ નિયંત્રણમાં રહ્યા છે. .