હોર્મુઝમાં ગુજરાતનું વહાણ ડૂબ્યું ! એક ખલાસીનું મૃત્યુ
copy image

સલાયાનું એમએસવી અલ ફૈઝે નૂર સુલેમાની-1 નામનું વહાણ ગત તા. 7 મેના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસેથી પસાર થતી વખતે ઈરાન અને અમેરિકાના નૌકાદળ વચ્ચે થયેલા સામસામા ગોળીબારનો શિકાર બન્યું હતું અને એક ડ્રોન આ વહાણ ઉપર પડ્યાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટનામાં વહાણને ભારે નુકસાન થતાં તે ડૂબી જતાં સલાયાના એક ખલાસી અલ્તાફ તાલબ કેરનું મૃત્યુ થયું હતું. વહાણમાં એક ટંડેલ સહિત કુલ 18 સભ્યો સવાર હતા. બાકીના 17 જણને બાજુમાંથી પસાર થતાં જહાજે બચાવી લીધા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, આ વહાણ દુબઈથી જનરલ કાર્ગો ભરીને યમનના મુકાલા બંદરે જઈ રહ્યું હતું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસેથી પસાર થતી વખતે ઈરાની અને યુ.એસ. નૌકાદળ વચ્ચે ક્રોસ ફાયારિંગ શરૂ થયું હતું, જેમાં વહાણને મોટું નુકસાન થયું હતું. ગોળીબાર દરમિયાન વહાણના એન્જિન રૂમમાં હાજર એન્જિનના ડ્રાઈવર સલાયાના અલ્તાફ તાલબ કેરને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બાકીના ખલાસીઓને પણ નાની મોટી ઇજાઓ થઈ હતી. તેમને બાજુમાંથી પસાર થતાં વહાણ દ્વારા 8 મેના દુબઈ પોર્ટ પર પહોંચાડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ સલાયામાં થતાં વહાણવટી ભાઈઓમાં શોકની લાગણી છવાઈ છે. ઇન્ડિયન સાલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ સંબંધિત તંત્ર અને સરકારને જાણ કરી છે, તેમણે મૃતક યુવાનની અંતિમવિધિ માટે તેમજ દુબઈ પહોંચેલા બાકીના ખલાસીઓને સુરક્ષિત રીતે પરત લાવવા માટે માગણી કરી છે. આદમ ભાયાએ મૃતકના ડેથ સર્ટિફિકેટ અને અન્ય કાગળોની કાર્યવાહી તુરંત કરવા પણ અપીલ કરી છે.