દરિયાકાંઠેથી રૂા. 18 કરોડનું ચરસ ઝડપાયું

copy image

copy image

 અબડાસા અને લખપત તાલુકાના દરિયાકાંઠેથી ફરી એકવાર મોટા પ્રમાણમાં બિનવારસી ચરસનાં પેકેટો મળી આવ્યાં હતાં. શનિવારે એક જ દિવસમાં જુદા જુદા સ્થળોએથી કુલ 30 જેટલાં ચરસનાં પેકેટો મળી આવ્યાં હતાં, જેની અંદાજિત કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂા. 18 કરોડ આંકવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે જખૌ સ્થિત કોસ્ટગાર્ડની ટીમ ઓવરક્રાફ્ટ સાથે પેટ્રાલિંગ કરી રહી હતી તે દરમિયાન દરિયાની વચ્ચે આવેલા બોયા ટાપુ પરથી 20 જેટલાં ચરસનાં પેકેટો બિનવારસી હાલતમાં મળી આવ્યાં હતાં. કોસ્ટગાર્ડ દ્વારા આ 20 પેકેટ ચરસની કિંમત રૂા. 12 કરોડ આંકવામાં આવી છે. તેમજ લખપત તાલુકાના બકલ ટાપુ વિસ્તારમાં પણ એક કોથળામાંથી 10 જેટલાં ચરસનાં પેકેટો બિનવારસી હાલતમાં મળી આવ્યાં હતાં. આમ, શનિવારે અબડાસા અને લખપત તાલુકાના સાગરકાંઠેથી કુલ 30 જેટલા ચરસનાં પેકેટો મળી આવ્યા હતા. આ તમામ ચરસનાં પેકેટોની કુલ અંદાજિત કિંમત રૂા. 18 કરોડ જેટલી થવા જાય છે. આવનારા સમયમાં વધુ પેકેટો મળે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે, જેને પગલે ગુપ્તચર એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.