ભારતને મળ્યા નવા સીડીએસ

 ભારત સરકારના નિવૃત્ત લેફટનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણીને દેશના નવા ચીફ ઓફ ડિફેનસ સ્ટાફ (સીડીએસ) નિયુક્ત કરાયા છે.મળતી માહિતી અનુસાર  30મી મેના કાર્યકાળ પૂરો કરી રહેલા જનરલ  અનિલ ચૌહાણનું સ્થાન સંભાળશે. રાજા ખાસ કરીને ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલા રણનીતિક મુદ્દાઓ તેમજ સુરક્ષાના મામલાઓની ઊંડી સમજ અને પકડ ધરાવે છે. સેનાના ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સુબ્રમણીએ 1985માં `ગઢવાલ રાઈફલ્સ’માં જોડાઈને લગભગ 40 વર્ષ સુધી વિવિધ પદો સંભાળ્યાં છે. ચાર દાયકાની કારકિર્દીમાં તેમણે દેશના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં મહત્ત્વની જવાબદારીઓ સંભાળી હતી. આસામમાં `ઓપરેશન રાઈનો’ હેઠળ આતંકવાદ વિરોધી અભિયાનોનું તેમણે કાબેલ નેતૃત્વ કર્યું હતું. ચીન સીમા સાથે જોડાયેલા ભાગોમાં પણ ભૂમિકા ભજવનાર રાજાએ ભારતીય સેનાની પ્રમુખ સ્ટ્રાઈક કોર સહિત બે કોરની કમાન સંભાળી હતી. નવા સીડીએસ તરીકે તેમની સૌથી મોટી જવાબદારી ભારતીય સેનાનાં થિયેટરાઈઝેશન મોડેલને લાગુ કરવાની હશે, જેનો હેતુ સેના, વાયુદળ, નૌકાદળ વચ્ચે સંકલન સાધીને સંયુક્ત સૈન્ય કમાન્ડ તૈયાર કરવાનો છે.