4 ફૂટના એલિયન્સ પૃથ્વિ પર ઉતર્યા હતા! UFOની ગુપ્ત ફાઈલ્સમાં ચોંકાવનારો કિસ્સો

copy image

અત્યાર સુધી જે વાતોને કલ્પના માનવામાં આવતી હતી, તેના પર હવે ખુદ અમેરિકાના સંરક્ષણ વિભાગે મહોર મારી હોય તેમ લાગે છે. પેન્ટાગોન દ્વારા તાજેતરમાં 162 નવી UFO ફાઇલ્સ જાહેર કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ દસ્તાવેજોમાં દાયકાઓ પહેલા જોવાયેલા ત્રણથી ચાર ફૂટ ઊંચા વિચિત્ર જીવો અને અવકાશયાનના અવશેષો વિશે અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. પેન્ટાગોનની ફાઇલ્સમાં દાયકાઓ જૂના એવા અહેવાલોનો ઉલ્લેખ છે. જેમાં અવકાશમાં સ્પેસ સૂટ અને હેલ્મેટ પહેરેલા ત્રણથી ચાર ફૂટ ઊંચા રહસ્યમય જીવો જોવા મળ્યા હતા. આ અહેવાલોમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે, FBIના એક મેમોમાં ફ્રેન્ક એડવર્ડ્સના પુસ્તક “Flying Saucers – Serious Business” પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેણે તે સમયે લોકોમાં UFO પ્રત્યે ભારે ઉત્સુકતા અને વિવાદ જગાવ્યો હતો. દસ્તાવેજોમાં UFO ને લઈને કેટલાક ચોક્કસ વર્ણનો આપવામાં આવ્યા છે. UFO ચળકતી ધાતુની વસ્તુઓ જેવા દેખાતા હતા. જે ગરમી અને પ્રકાશ ઉત્સર્જિત કરતા હતા, જેના કારણે નજીક રહેલા સાક્ષીઓ દાઝી ગયા હોય તેવા પણ કિસ્સા નોંધાયા છે. તેનો રંગ સફેદથી લઈને લાલ અને તેજસ્વી નારંગી જેવો હોય છે. દસ્તાવેજો મુજબ UFO ના ત્રણ મૂળભૂત આકારો છે. 300 ફૂટ સુધી લાંબા ઝેપ્લીન આકારના જહાજો, ડિસ્ક આકારની રકાબીઓ (વ્યાસ 100 ફૂટ સુધી) અને તાજેતરમાં જોવા મળતા ઈંડા આકારના પદાર્થો. શુક્રવારે સંરક્ષણ વિભાગે જે 162 ફાઈલો બહાર પાડી છે તેમાં ફોટોગ્રાફ્સ, વિડિયો ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો સામેલ છે. જેમાં 1947ના ફ્લાઈંગ ડિસ્કના દૃશ્યનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પ પ્રશાસને ભારપૂર્વક જણાવ્યું છે કે, આગામી અઠવાડિયામાં વધારાના દસ્તાવેજો તબક્કાવાર રીતે જાહેર કરવામાં આવશે.