‘મેક ઇન ઇન્ડિયા’ને અદાણી પોર્ટસ મુંદ્રાનું બળ:6548 કાર એક સાથે એક્સપોર્ટ

મુન્દ્રા, 10 મે 2026: ભારતના નિકાસ ઇતિહાસમાં આજે મુંદ્રા પોર્ટના નામે એક ગૌરવશાળી
અધ્યાય ઉમેરાયો છે. અદાણી પોર્ટ્સ મુંદ્રાના અત્યાધુનિક રો-રો ટર્મિનલ પરથી ‘મોર્નિંગ
પોસ્ટ’ નામના ઑટોમોબાઇલ કેરિયર જહાજમાં એક જ વખતમાં 6548 કાર લોડ કરીને
રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સાથે મુંદ્રા પોર્ટ દેશનું પહેલું અને એકમાત્ર
એવું બંદર બન્યું છે, જેણે એકસાથે આટલી વિશાળ સંખ્યામાં કારનું સફળતાપૂર્વક લોડિંગ
કર્યું છે. આ સિદ્ધિ માત્ર એક આંકડો નથી, પરંતુ ભારતની વધતી ઔદ્યોગિક શક્તિ,
વિશ્વસનીય લોજિસ્ટિક્સ ક્ષમતા અને વૈશ્વિક નિકાસ સામર્થ્યનું જીવંત પ્રતિબિંબ છે.
આ વાહનો મુખ્યત્વે ચીલી, મેક્સિકો, બોલિવિયા, કોલમ્બિયા, ગ્વાટેમાલા, દક્ષિણ અમેરિકા
અને યુરુગ્વે જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે, જે વૈશ્વિક
ઑટોમોબાઇલ વેપારમાં ભારતની હાજરીને વધુ મજબૂત બનાવે છે.
દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં મોટાભાગનું કાર્ગો હેન્ડલિંગ આપતું મુંદ્રા પોર્ટ આજે ભારતનું
સૌથી મોટું કોમર્શિયલ બંદર છે. દર વર્ષે 200 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગો હેન્ડલ કરતી
આ સુવિધા માત્ર બંદર નથી, પરંતુ દેશની આયાત-નિકાસ વ્યવસ્થાનું ધબકતું હૃદય છે.
કોલસો, ક્રૂડ ઓઇલ, કન્ટેનર, ખાતર, સ્ટીલ અને ઑટોમોબાઇલ જેવા વિવિધ ક્ષેત્રોમાં મુંદ્રા
પોર્ટ સપ્લાય ચેઇનને નવી ગતિ આપે છે. ખાસ કરીને ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ બનેલા
ભારતીય વાહનોને વિશ્વના બજારો સુધી ઝડપી, સુરક્ષિત અને અસરકારક રીતે પહોંચાડવામાં
મુંદ્રા પોર્ટ એક મજબૂત કડી તરીકે ઉભરી આવ્યું છે.
કચ્છના અખાતમાં વ્યૂહાત્મક સ્થાન ધરાવતું મુંદ્રા પોર્ટ કુદરતી ડીપ ડ્રાફ્ટ, બારમાસી સંચાલન
અને મધ્ય-પૂર્વ, આફ્રિકા તથા યુરોપના મુખ્ય શિપિંગ રૂટની નજીક હોવાના કારણે વૈશ્વિક
વેપાર માટે અતિ મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. આ વિશિષ્ટ સ્થાનના કારણે શિપિંગ
કંપનીઓને ટ્રાન્ઝિટ સમયમાં ઘટાડો અને લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર બચત મળે છે.
ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો સાથેની મજબૂત કનેક્ટિવિટી ઉત્તર અને પશ્ચિમ
ભારતના ઔદ્યોગિક વિસ્તારોને સીધા વિશ્વ બજાર સાથે જોડે છે. તેથી મુંદ્રા પોર્ટ માત્ર કચ્છનું
ગૌરવ નથી, પરંતુ ભારતના વેપાર નકશા પર એક વ્યૂહાત્મક શક્તિ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું
છે.
અદાણી પોર્ટ્સના રો-રો ટર્મિનલની આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમેટેડ યાર્ડ મેનેજમેન્ટ અને
અત્યંત કાર્યક્ષમ ઓપરેશન્સના સંકલનથી આ ઐતિહાસિક રેકોર્ડ શક્ય બન્યો છે. આ
ટર્મિનલ દર વર્ષે લાખો વાહનો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે અને ભારતને વૈશ્વિક
ઑટોમોબાઇલ એક્સપોર્ટ હબ બનાવવાના વિઝનને મજબૂત આધાર આપે છે. મુંદ્રા પોર્ટની
આ સિદ્ધિ ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેરિટાઇમ ઇન્ડિયા વિઝન 2030’ને નવી ઊર્જા પૂરું પાડે
છે. આ રેકોર્ડ સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત હવે માત્ર ઉત્પાદનનું કેન્દ્ર નથી, પરંતુ
વિશ્વસ્તરીય લોજિસ્ટિક્સ ક્ષમતા ધરાવતું આત્મવિશ્વાસપૂર્ણ નિકાસ શક્તિ કેન્દ્ર પણ છે.
અદાણી પોર્ટ્સ મુંદ્રા નવીનતા, ગતિ અને કાર્યક્ષમતાના બળ પર ભારતીય અર્થતંત્રને નવી
ઊંચાઈએ પહોંચાડવા સતત પ્રતિબદ્ધ છે.