બેંગ્લોરમાં પીએમના કાર્યક્રમ નજીક બે વિસ્ફોટક મળી આવ્યા

બેંગ્લોરમાં પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળની નજીક જ બે જિલેટિન સ્ટિક મળી આવતાં  હડકંપ મચી ગયો હતો. સતાવાર માહિતી અનુસાર સુરક્ષા એજન્સીઓએ ભારે સતર્કતા રાખવી પડી હતી. જિલેટિન સ્ટિક કાગલિપુરા પાસે એક આશ્રમની નજીક ફૂટપાથના કિનારેથી જપ્ત કરાઇ હતી. આ જગ્યા કાર્યક્રમ સ્થળથી માત્ર ત્રણ કિમી દૂર હતી. ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ બનાવમાં એક સંદિગ્ધની અટકાયત કરીને પૂછપરછ શરૂ થયાના અહેવાલ પણ સામે આવ્યા હતા. પોલીસે જાણકારી આપતાં કહ્યું હતું કે, રવિવારે સવારે પીએમ મોદીનાં આગમન પહેલાં નિયમિત સુરક્ષા તપાસ દરમિયાન સંદિગ્ધ સામગ્રી મળી આવી હતી. તપાસ દરમિયાન ફૂટપાથના કિનારેથી બે જિલેટિન સ્ટિક બરામદ થઈ હતી. બાદમાં બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમને તાકીદે સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી. આખા ક્ષેત્રમાં તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ને સુરક્ષા વ્યવસ્થા વધારે ચાંપતી બનાવવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે અને એક સંદિગ્ધની પૂછપરછ શરૂ થઈ હોવાના પ્રાથમિક અહેવાલ મળ્યા હતા.