કંડલા એરપોર્ટ 45.2 ડિગ્રીએ રાજ્યમાં સૌથી વધુ ગરમ

copy image

copy image

 રવિવારે `રવિ’ના આકરા પ્રકોપથી કચ્છીમાડુઓ તોબા પોકારી ઊઠયા હતા. લૂના ભીષણ પ્રભાવથી જીનજીવન જાણે કે અગનભઠ્ઠીમાં શેકાયું હોય તેવો ગરમાગરમ માહોલ લોકોએ અનુભવ્યો હતો. કંડલા એરપોર્ટ પર 45.2 ડિગ્રી સેલ્સિયસ સાથે અંજાર, ગળપાદર, વરસામેડી સહિત કચ્છનું પૂર્વીય પડખું સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ તપ્યું હતું. હવામાન વિભાગે 15મી તારીખ સુધી રાજ્યની સાથે કચ્છમાં પણ આકરી ગરમીનું મોજું ફરી વળશે તેવી આગાહી કરી છે. જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો 43.3 ડિગ્રીએ પહોંચતાં 26મી એપ્રિલે નોંધાયેલા 43.8 ડિગ્રી મહત્તમ તાપમાન બાદનો સિઝનનો બીજો સર્વાધિક ગરમ દિવસ ભુજવાસીઓએ અનુભવ્યો હતો. મધ્યાહ્નકાળે તાપનો પ્રભાવ વધુ આકરો બનતાં લોકોએ બપોરના સમયે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળતાં રસ્તા પર સ્વયંભૂ સન્નાટો છવાયોલો જોવા મળ્યો હતો. ગરમીએ જાણે કે સંચારબંધી લાદી હોય તેવો માહોલ માર્ગો પર જોવા મળ્યો હતો. આખો દિવસ આકરા તાપ બાદ સાંજે વાતાવરણમાં થોડી શીતળતા પ્રસરેલી જોવા મળી હતી. જો કે, ઊકળાટનો દોર યથાવત્ જોવા મળતાં લોકો પરસેવે રેબઝેબ થયા હતા.