એરંડાનો કાળ – ઝુરા ગામની ગૌશાળામાં 12 ગાયોના મોત, સેંકડો પશુઓને ગ્રામજનોએ બચાવ્યા

પાવરપટ્ટી પંથકના ઝુરા ગામના સીમાડે આજે સવારે હૈયું કંપાવી દે એવું દ્રશ્ય જોવા મળ્યું. એરંડાનું ભેલાણ ખાધા પછી ગૌશાળાની 12 ગાયો એકસાથે મોતને ભેટી.ઝુરા ગામ નજીક એરંડાના ખેતરમાં ભેલાણમાં ગયેલ ગામની ગૌશાળાની 346 ગાય અને ભેંસો મળી કુલ 500 જેટલા દૂધાળા પશુઓએ એરંડાનો ચારો આરોગ્યો. ભારે ગરમી વચ્ચે એરંડાનું કૂણું ખાધા પછી અતિશય ગરમીને કારણે મોટાભાગના પશુઓને આફરો ચડી ગયો અને બેહોશ બની ગયા. વાત વાયુવેગે ગામમાં ફેલાતા જ ગામલોકો ખેતર તરફ દોડી ગયા. ગામના સરપંચ તુષાર ભાનુશાલી અને ગૌશાળા પર દેખરેખ કરતા શિવજીભાઈ ભાનુશાલીની આગેવાનીમાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ થઈ. અસરગ્રસ્ત પશુઓ ઉપર પાણી છાંટી, છાશ અને ઠંડા પીણા તથા અન્ય ઘરેલુ ઉપાયો કરતા મોટાભાગના પશુઓ બચી જવા પામ્યા. ગામલોકોની ભારે જહેમત બાદ સેંકડો ગાયો-ભેંસોને બચાવી લેવામાં સફળતા મળી. પંથકમાં હાલ એરંડાનો પાક પૂરો થતાં અનેક ખેતરોમાં ઊભેલા એરંડામાં પશુઓને ભેલાણની છૂટ અપાય રહી છે. પણ આ છૂટ જ કાળ બનીને આવી. 12 ગાયો તો પાછી ન આવી, પણ સેંકડો બચી ગઈ એ ગામલોકોની એકતા અને ઘરેલુ સૂઝનો કમાલ છે. હજુ પણ થોડી-ઘણી અસરવાળા પશુઓની ઘરેલુ સારવાર ચાલુ રખાઈ છે. ગૌમાતાની આવી દુર્દશા જોઈને આખું ગામ હિબકે ચડ્યું છે.