નખત્રાણામાં સોનાના ઘરેણા કિં. રૂા. 2,40,525ની ચોરી થતાં ફરિયાદ

copy image

copy image

નખત્રાણામાં સોનાના ઘરેણા કિં. રૂા. 2,40,525ની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ છે. મુંબઈથી આવેલા એક ઈસમે ચોરી કર્યાની શંકા ફરિયાદમાં દર્શાવાઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ અંગે નખત્રાણા નવાનગરમાં રહેતાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ઘરે કબાટ ન હોવાથી સોના-ચાંદીનાં ઘરેણા વિમલના થેલામાં કપડાં સાથે રાખ્યાં હતાં. 11/07/25ના વરસાદના કારણે થેલો-કપડા પલળી ગયાં હતાં અને કપડા સુકાવવા રાખ્યાં હતાં અને દાગીના જોતાં તેમાં સોનાનું મંગળસૂત્ર 38.010 ગ્રામ કિં. રૂા. 2,35,525 તથા સોનાની વીંટી 10 ગ્રામ કિં. રૂા. 5000 એમ કુલ રૂા. 2,40,525ના સોનાના મંગળસૂત્ર અને વીંટી જોવા ન મળતાં શોધખોળ કરી હતી છતાં મળ્યાં નહીં. બાદમાં ફરિયાદીને યાદ આવ્યું કે, તા. 1/7/25થી 7/7/25 સુધી તેમના ઘરે નાનીમા અને તેમનો મામાનો દીકરો તેમના ઘરે આવ્યા હતા અને દાગીના તે બંનેને બતાવ્યા હતા. આથી ફરિયાદીએ મામાના દીકરાને ફોન કરી પૂછયું કે, તમને બતાવેલા દાગીના મળતા નથી, તેં લીધા હોય તો કહી દે. તેણે જણાવ્યું કે, મને નોકરીમાં જવામાં મોડું થાય છે, મેં દાગીના લીધા નથી, કહીને ફોન કાપી નાખ્યો હતો. તે પોતાના ઘરે અગાઉ નાની-મોટી ચોરી કરતો હતો, આથી તેણે દાગીના લીધા હોવાનો શક છે, તેવું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે શકદાર તરીકે લખી ફરિયાદ નોંધી તપાસ આદરી છે.