અપરા એકાદશી નિમિત્તે “જય શ્રી કૃષ્ણ ગ્રુપ” દ્વારા ભવ્ય પ્રભાતફેરી યોજાઈ

પવિત્ર અપરા એકાદશીના શુભ અવસરે “જય શ્રી કૃષ્ણ ગ્રુપ” દ્વારા અંજાર શહેરમાં ભવ્ય અને ભક્તિમય પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે ભક્તિમય માહોલ વચ્ચે મોટી સંખ્યામાં વડીલો, માતાઓ-બહેનો, યુવાનો અને બાળમિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
“જય જય શ્રી રામ”, “જય શ્રી કૃષ્ણ” અને “હર હર મહાદેવ” ના જયઘોષ સાથે નીકળેલી આ પ્રભાતફેરી શહેરના વિવિધ માર્ગો તેમજ ઐતિહાસિક મંદિરો પાસેથી પસાર થઈ સમગ્ર શહેરમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.
પ્રભાતફેરી દરમિયાન મધવરાયજી મંદિર ખાતે નન્દકુમાર અષ્ટકમ, નાગનાથ મહાદેવ મંદિરે વેદસાર શિવસ્તવ તથા રામસખી ના મંદિરે હનુમાનજી આરાધના કરવામાં આવી હતી. ભક્તિમય સ્તોત્રો અને આરાધનાથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું.
આ પ્રસંગે ગ્રુપના સભ્ય જીતેશભાઈ પીઠડીયા દ્વારા જણાવાયું હતું કે “જય શ્રી કૃષ્ણ ગ્રુપ” નો મુખ્ય ઉદ્દેશ વૈદિક સનાતન ધર્મનો પ્રચાર, આર્ય સંસ્કૃતિનું જતન, નિષ્કામ ભક્તિ, સામાજિક સમરસતા અને જીવદયાની ભાવનાને સમાજમાં વધુ મજબૂત બનાવવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનામાં ગ્રુપ દ્વારા અબોલ પક્ષીઓ માટે 500 કિલો ચણા તથા ગૌમાતા માટે ₹14,500 નો ચારો અર્પણ કરવામાં આવ્યો છે, જે સમાજના સહયોગ અને સેવા ભાવનાનું સુંદર ઉદાહરણ છે.
પ્રભાતફેરી પૂર્ણ થયા બાદ રામસખી ના મંદિર ખાતે પ્રભુ શ્રી રામને થાળ ધરાવી મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઉપસ્થિત સૌને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા “જય શ્રી કૃષ્ણ ગ્રુપ” ના સભ્યો તથા શહેરના ધર્મપ્રેમી નાગરિકોએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.