કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

આજરોજ કચ્છ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરશ્રી તરીકે શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. નવનિયુક્ત કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓને આવકાર્યા હતા. કલેક્ટરશ્રીએ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું કે, નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવે જેથી પ્રજાલક્ષી કામોને ત્વરિત પૂર્ણ કરી શકાય.

આ બેઠકમાં રાપરના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ રાપર વિસ્તારના પીજીવીસીએલ ઓફિસમાં સ્ટાફની ઘટ, વોલ્ટેજ સમસ્યા અને પેયજળ તેમજ નર્મદા કેનાલ અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી. ધારાસભ્યશ્રીએ જુના વીજપોલ બદલવા, નવા બોર બનાવવા, રાપર તાલુકાની વાંઢોમાં પેયજળ પહોંચાડવું, નર્મદાના પાણીથી ડેમ ભરવા, પાઈપલાઈન વિતરણથી પેયજળ માળખું ઉત્કૃષ્ટ બનાવવું, અતિ વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામ્મત કરવી, અતિવૃષ્ટિથી ક્ષતિગ્રસ્ત તળાવોને રિપેર કરવા, રાપર શહેરમાં ટ્રાફિક નિયમન, ખેતીવાડી નુકશાની સર્વે, ઓવરલોડ વાહનોનું નિયમન, ગાગોદર કેનાલ રિપેરીંગ કામકાજ, સીમના રસ્તાઓની મરામ્મત, કાનમેર ખાતે અંડરપાસનું નિર્માણ, ખેડૂતોને સમયસર વીજ કનેક્શનની ફાળવણી, ભોજનારી ડેમને નર્મદાના કેનાલની પીવાનું પાણી આપવું, ભીમાસર પીએચસીમાં આરોગ્ય સ્ટાફની ઘટ, પાણી બંધ હોય ત્યારે ડેમ અને કેનાલનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરવું, ડોક્યુમેન્ટમાં નામ એકસૂત્રતા જાળવવા, સરણેશ્વર વાંઢમાં વીજ કનેક્શન, જ્યોતિગ્રામ કનેક્શન ઝડપથી આપવા, પીજીવીસીએલ લો વોલ્ટેજ સમસ્યા, નલ સે જલ કનેક્શન, લખાગઢ ગામે પ્રાથમિક શાળામાં નવા ઓરડાનું નિર્માણ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તાની નિયમિત ચૂકવણી તેમજ રાપર તાલુકાના વિવિધ ગામોમાં પાણી વિતરણ અંગેની સમસ્યાઓ બાબતે રજૂઆત કરી હતી.

અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ નખત્રાણા ખાતે મંજૂર ટાઉનહોલનું કામ, દયાપર ખાતે સરકારી કોલેજ, નખત્રાણામાં બિબર ખાતે જાબરી ડેમનું નિર્માણ, તલ લૈયારી ડેમ, છારી ફૂલાય ડેમ, ધાવડા હક્કપત્ર પ્રશ્નોનું નિરાકરણ, નખત્રાણા બાયપાસની કામગીરી, ગજણસર અને આમારા ગામની જમીનના રેકર્ડ, કિસાન સન્માન નિધિ, માતાના મઢ પવિત્ર યાત્રાધામમાં પાર્કિંગ ખાતે પાણીનો ભરાવ અને ખાનગી જમીનનો પ્રશ્ન, બજારમાં ખુલ્લામાં વેચાતા ખાદ્યપદાર્થોમાં દુકાનદારો દ્વારા હાયજીન નિયમન, પાક નુકસાની સહાયના સરકારી ધારાધોરણો, ખાનગી કંપનીઓમાં સ્થાનિક લોકોને નોકરીમાં પ્રાથમિકતા, અબડાસામાં પરપ્રાંતીય ખેડૂતોની એન્ટ્રી, કોટડા જડોદર ખાતે પીવાના પાણીનો બોર, ખેડૂતોને વીજ કનેક્શન અને ખનીજ લીઝ માપણીને લગતા પ્રજાના પ્રશ્નોની રજૂઆત કલેક્ટરશ્રી સમક્ષ કરી હતી.

કચ્છ કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને નાગરિક હિતના પ્રશ્નોના ત્વરિત નિકાલની કામગીરી કરવા જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ પાણીના પ્રશ્નોનું નિવારણ લાવવા માટે પ્રાંત અધિકારીશ્રીઓને ચોક્કસ આયોજન કરીને કામગીરી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, કલેક્ટરશ્રીએ પ્રશ્નોનો કાયમી ઉકેલ આવે, લોકોને રાહત થાય અને સરકારી માળખાનો નાગરિકોને ઉત્તમ લાભ મળે તે દિશામાં પ્રાથમિકતા આપીને કામગીરી કરવા સૂચના આપી હતી.

 કલેક્ટરશ્રીએ શિક્ષણ વિભાગ સહિત સંબંધિત વિભાગોને સૂચના આપીને જણાવ્યું હતું કે, શાળા કોલેજોને સાંકળીને કચ્છ જિલ્લામાં જે પણ નોકરીની તકો છે તે વિષયનું શિક્ષણ મેળવીને વિદ્યાર્થીઓ કચ્છ સહિત દેશના વિકાસમાં ભાગીદાર બનીને આત્મનિર્ભર બને ખૂબ જ જરૂરી છે. જ્યાં પણ પ્રજાનું બહોળું હિત હોય એવા પ્રશ્નો માટે અધિકારીશ્રીઓ જાતે જ વિઝિટ કરી, સંબંધિત વિભાગો સાથે બેઠક કરીને નિરાકરણ લાવે તે બાબતે કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, મદદનીશ કલેક્ટરશ્રી ઉત્કર્ષ ઉજ્જવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.કિશ્ચિયન સહિત જિલ્લાના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.